NEET પેપર લીકની ઘટનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણ દોષિતને છોડવામાં નહીં આવે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટ કેમ બનાવાશે?

પેપર લીકના કેસોમાં ઘણી વખત તપાસ અને કોર્ટની કાર્યવાહી લાંબી ચાલતી હોવાથી દોષિતોને સજા મળવામાં વર્ષો લાગી જતા હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર હવે આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની તૈયારીમાં છે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસોને પ્રાથમિકતા આપવામાં આવે છે, જેથી ઝડપથી ચુકાદો આવી શકે અને દોષિતોને વહેલી તકે સજા મળી શકે.

1. શું છે ફાસ્ટ-ટ્રેક કોર્ટ?

આ વિશેષ કોર્ટ હોય છે, જેમાં મહત્વના અને સંવેદનશીલ કેસોની પ્રાથમિકતાના આધારે ઝડપી સુનાવણી થાય છે. તેનો ઉદ્દેશ પેન્ડિંગ મામલાની ઝડપી સુનાવણી કરીને પીડિતોને સમયસર ન્યાય આપવાનો છે.

2. કેવી રીતે કામ કરે છે?

આ કોર્ટોમાં નિર્ધારિત કેસોની સતત સુનાવણી કરવામાં આવે છે. જજ અને કોર્ટ એ જ કેસ પર ફોકસ કરે છે, જેથી સુનાવણી ઝડપી થાય છે.

3. કયા મામલાઓની સુનાવણી થાય છે?

  • દુષ્કર્મ અને મહિલાઓ-બાળકો સામેના ગુના
  • પેપર લીક અને પરીક્ષા સંબંધિત મામલા
  • ગંભીર ગુનાહિત અને સંવેદનશીલ મામલા
  • સરકાર કે હાઇકોર્ટનાં નિર્દેશવાળા વિશેષ મામલા

4. શું ફાયદો થાય છે?

  • કેસનો ઝડપી ઉકેલ આવે છે.
  • દોષિતોને ઓછામાં ઓછા સમયમાં સજા મળવાની શક્યતા વધે છે.
  • ન્યાય વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ વધે છે.
  • લાંબા સમય સુધી કેસ પેન્ડિંગ રહેવાની સમસ્યા ઘટે છે.