કંપનીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેનો સીધો અસર કંપનીઓના ટેક્નોલોજી બજેટ પર પણ જોવા મળી રહ્યો છે. Rampના AI Index રિપોર્ટ મુજબ, અમેરિકાની ટોચની 1% કંપનીઓ હવે AI ટૂલ્સ પાછળ પ્રતિ કર્મચારી સરેરાશ લગભગ ₹7 લાખ ખર્ચી રહી છે. રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીમાં આ જ કેટેગરીની કંપનીઓનો AI પાછળનો ખર્ચ પ્રતિ કર્મચારી આશરે ₹2.47 લાખ હતો. એટલે કે માત્ર સાત મહિનામાં AI પરનો ખર્ચ લગભગ ત્રણ ગણો થયો છે. બીજી તરફ, ટોચની 10% કંપનીઓ પ્રતિ કર્મચારી AI માટે આશરે ₹62 હજાર ખર્ચ કરી રહી છે. જ્યારે તમામ કંપનીઓને મળીને જોવામાં આવે તો સરેરાશ AI ખર્ચ પ્રતિ કર્મચારી આશરે ₹1,140 હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
AIનો ઉપયોગ વધતા બિલિંગ મોડલમાં પણ ફેરફાર
AIનો ઉપયોગ વધવાની સાથે કંપનીઓ AI સેવાઓ પાછળ કેટલો ખર્ચ કરે છે તેની રીતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. Anthropic અને OpenAI જેવી કંપનીઓ પ્રતિ-ટોકન મોડલનો ઉપયોગ કરી રહી છે. આ મોડલમાં ગ્રાહક દ્વારા AIનો જેટલો વધુ ઉપયોગ કરવામાં આવે છે, તેટલા વધુ ટોકન વપરાય છે અને તેના આધારે બિલ વધે છે. એટલે AIનો ઉપયોગ વધે તેમ કંપનીઓનો ખર્ચ પણ વધી શકે છે. AIના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને કેટલીક મોટી કંપનીઓએ ઉપયોગ પર નિયંત્રણ મૂકવાનું શરૂ કર્યું છે. અહેવાલ મુજબ Uber, Amazon અને Walmart જેવી કંપનીઓએ જરૂરિયાત કરતાં વધુ AI ઉપયોગને રોકવા માટે કેટલીક મર્યાદાઓ લાગુ કરી છે.
AI બોસે માનવીય કર્મચારીને નોકરીમાંથી હટાવવાની ભલામણ કરી
AIના વધતા ઉપયોગ વચ્ચે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં એક અલગ પ્રકારનો પ્રયોગ પણ ચર્ચામાં આવ્યો છે. Andon Labs નામની ફર્મે પોતાના રિટેલ સ્ટોરના સંચાલનમાં Luna નામના AIને જવાબદારી સોંપી હતી. આ AI મેનેજરે એક માનવીય કર્મચારીને નોકરીમાંથી દૂર કરવાની ભલામણ કરી હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે તે કર્મચારી કુલ 23માંથી 17 શિફ્ટમાં મોડો પહોંચ્યો હતો. ત્યારબાદ માનવીય મેનેજમેન્ટે AIની ભલામણની સમીક્ષા કરી અને અંતે કર્મચારીને નોકરીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. Andon Marketના સોશિયલ મીડિયા પોસ્ટમાં કંપનીએ આ ઘટનાને પોતાની જાણ મુજબ એવી પ્રથમ ઘટના તરીકે રજૂ કરી હતી જેમાં કોઈ AI મેનેજરે માનવીય કર્મચારી સામે નોકરીમાંથી દૂર કરવાની ભલામણ કરી હોય.
કંપનીના જણાવ્યા પ્રમાણે આ ઘટનાના સમયે Luna Claude Opus 4.8 પર કાર્યરત હતી. કંપનીએ એવો દાવો પણ કર્યો હતો કે અન્ય મોટા AI મોડલ્સ પણ સમાન પ્રકારના કામ કરી શકે છે.
AI પોતાની બનાવેલી હાજરી નીતિ જ ભૂલી ગયું
આ ઘટનાનો વધુ રસપ્રદ ભાગ Lunaની મેમરી સાથે જોડાયેલો હતો. Andon Labsના જણાવ્યા પ્રમાણે Lunaએ કેટલાક મહિના અગાઉ કર્મચારીઓની હાજરી અંગે એક નીતિ બનાવી હતી, પરંતુ સમય જતાં તે નીતિ તેની યાદમાંથી ગાયબ થઈ ગઈ હતી. આના કારણે વારંવાર મોડા આવતો કર્મચારી લાંબા સમય સુધી એ જ વર્તન ચાલુ રાખી શક્યો. બાદમાં કંપનીએ Lunaને તેની મેમરીમાં અગાઉ બનાવેલી હાજરી નીતિ શોધવા માટે કહ્યું. ત્યારબાદ AIને એ પણ મૂલ્યાંકન કરવા જણાવાયું કે સંબંધિત કર્મચારી હજુ કંપની માટે યોગ્ય છે કે નહીં. આ પ્રક્રિયા બાદ Lunaએ કર્મચારીને નોકરીમાંથી દૂર કરવાની ભલામણ કરી અને માનવીય મેનેજમેન્ટની સમીક્ષા બાદ તે નિર્ણય અમલમાં મૂકાયો.
AIનો વધતો ખર્ચ કંપનીઓ માટે નવો પડકાર
આ સમગ્ર ઘટનાક્રમ બતાવે છે કે કંપનીઓમાં AI હવે માત્ર પ્રયોગ પૂરતું સીમિત નથી રહ્યું. મોટી કંપનીઓ પોતાના રોજિંદા કામમાં AIનો ઉપયોગ વધારી રહી છે અને તેના કારણે AI પાછળનો ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. સાથે જ, AIને મેનેજમેન્ટ અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે ત્યારે માનવીય દેખરેખ અને અંતિમ નિર્ણયની જવાબદારી પણ મહત્વપૂર્ણ બની રહે છે. AIનો ઉપયોગ વધતો જાય તેમ આગામી સમયમાં કંપનીઓ માટે AIથી મળતા ફાયદા અને તેના વધતા ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું વધુ મહત્વનું બની શકે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ