સમગ્ર દેશના શિવભક્તો જેની આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે, તે પવિત્ર અને આસ્થાનું પ્રતીક એવી અમરનાથ યાત્રાનો આજથી વિધિવત અને મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. વહેલી સવારે 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે' ના આકાશગુંજી નારાઓ વચ્ચે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો પવિત્ર ગુફા તરફ રવાના થયો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનની શાનદાર તૈયારીઓ વચ્ચે પ્રથમ દિવસે જ અંદાજે 9,000 જેટલા શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવશે.
આ વર્ષે ભક્તોમાં એક અલગ જ પ્રકારનો પોઝિટિવ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમાલયની પહાડીઓ વચ્ચે ભક્તિ અને શ્રદ્ધાનો એવો અદભુત સંગમ સર્જાયો છે કે કુદરતી પડકારો પણ શિવભક્તોના અડગ મનોબળ સામે નાના સાબિત થઈ રહ્યા છે.
આંખોમાં ભક્તિના આંસુ: 'બાબાએ બોલાવ્યા એટલે બધી મુશ્કેલીઓ ગાયબ'
યાત્રાના પ્રથમ દિવસે દેશના ખૂણે-ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓમાં અનોખો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. કોઈ વડીલ લાકડીના ટેકે તો કોઈ યુવાન દોડતો દોડતો બાબાના દરબારમાં પહોંચવા આતુર હતો.
બે રૂટ પરથી યાત્રા શરૂ: પ્રશાસનની ચુસ્ત વ્યવસ્થા
અમરનાથ યાત્રાને સુરક્ષિત અને સુગમ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ યાત્રા પરંપરાગત રીતે બે મુખ્ય રૂટ પરથી આગળ વધી રહી છે:
-
બાલટાલ રૂટ: આ રૂટ થોડો ચઢાણવાળો અને ટૂંકો છે, જ્યાંથી ભક્તો ઝડપથી ગુફા સુધી પહોંચી શકે છે.
-
પહેલગામ રૂટ: આ પરંપરાગત અને પ્રમાણમાં સરળ રૂટ છે, જ્યાં કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તો ભક્તિભાવ સાથે આગળ વધે છે.
સમગ્ર યાત્રા માર્ગ પર સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને અર્ધલશ્કરી દળોની ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરો માટે ઠેર-ઠેર ભંડારા (લંગર), મેડિકલ કેમ્પ અને રહેવાની ઉત્તમ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ