અમદાવાદના જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ખાતે આજે જેઠ સુદ પૂનમના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પરંપરાગત અને ભવ્ય જળયાત્રા યોજાઈ. અષાઢી બીજના દિવસે નીકળનારી ઐતિહાસિક 149મી રથયાત્રા પહેલાં યોજાતી આ જળયાત્રા માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ સદીઓથી ચાલી આવતી સનાતન પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

જળયાત્રાનું શું છે ધાર્મિક મહત્વ?

ધાર્મિક માન્યતા મુજબ જેઠ મહિનાની આકરી ગરમીમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને શીતળતા મળે તે માટે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સવારે મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. અહીં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નદી પૂજન અને ગંગા પૂજન કરવામાં આવ્યું.

ત્યારબાદ 108 તાંબા અને પિત્તળના પવિત્ર કળશોમાં સાબરમતીનું જળ ભરવામાં આવ્યું અને ભવ્ય શોભાયાત્રા સાથે મંદિર પરત લાવવામાં આવ્યું. આ જળથી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો શાસ્ત્રોક્ત મહાજળાભિષેક કરવામાં આવ્યો.

વર્ષમાં માત્ર એક જ વાર થાય છે 'ગજવેશ'ના દર્શન

જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીને વર્ષમાં માત્ર એક જ વાર 'ગજવેશ' એટલે કે ભગવાન ગણેશના સ્વરૂપમાં શણગારવામાં આવે છે.

પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન ગણેશના એક પરમ ભક્તે ભગવાન જગન્નાથના દર્શન માત્ર ગણેશ સ્વરૂપમાં જ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભક્તની અતૂટ શ્રદ્ધા જોઈ ભગવાન જગન્નાથજીએ ગણપતિ સ્વરૂપે દર્શન આપ્યા હતા. ત્યારથી જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.

જળાભિષેક પછી ભગવાન કેમ થાય છે 'બીમાર'?

જળયાત્રા સાથે જોડાયેલી સૌથી વિશેષ પરંપરા 'અણસર વિધિ' છે. માન્યતા મુજબ 108 કળશના ઠંડા જળથી મહાજળાભિષેક કર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને પ્રતીકાત્મક રીતે તાવ આવે છે.

આ કારણે આગામી 15 દિવસ સુધી ભગવાનને વિશેષ અણસર ઓરડામાં આરામ અપાય છે. આ સમય દરમિયાન મુખ્ય મંદિરના કપાટ ભક્તો માટે બંધ રહે છે અને ભગવાનની મૂર્તિઓના બદલે પ્રતીકાત્મક ચિત્રની પૂજા કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથજી મોસાળ શા માટે જાય છે?

જળયાત્રાના દિવસે સાંજે ભગવાન જગન્નાથજી પ્રતીકાત્મક રીતે પોતાના મોસાળ એટલે કે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા મામાના ઘરે પ્રસ્થાન કરે છે.

ધાર્મિક માન્યતા મુજબ બીમારી દરમિયાન ભગવાનને આરામ, આયુર્વેદિક ઉકાળા,પરંપરા અનુસાર ભગવાનને આયુર્વેદિક ઔષધીય પ્રસાદ અને હળવો ભોગ અર્પણ કરવામાં આવે છે. ભગવાન આગામી 15 દિવસ સુધી સરસપુરમાં વિરામ કરે છે અને ત્યારબાદ સ્વસ્થ થઈ ફરીથી પોતાના મંદિરે પરત ફરે છે.

આ પરંપરા ભગવાનને માનવ સ્વરૂપની લીલા સાથે જોડે છે, જેના કારણે લાખો શ્રદ્ધાળુઓ આ પ્રસંગને વિશેષ ભક્તિભાવથી ઉજવે છે.

નેત્રોત્સવ પછી નીકળે છે ભવ્ય રથયાત્રા

15 દિવસના આરામ બાદ અષાઢ સુદ એકમના દિવસે ભગવાનના નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ અષાઢી બીજની સવારે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થઈ ભવ્ય સોનાવેષમાં ભક્તોને દર્શન આપે છે અને ઐતિહાસિક રથયાત્રા માટે રથ પર બિરાજમાન થાય છે.

જળયાત્રામાં ભક્તિનો અનોખો માહોલ

આજની જળયાત્રામાં રંગબેરંગી ધ્વજ-પતાકાઓ, ભજન-કીર્તન, અખાડાના કરતબો, પરંપરાગત વાદ્યવૃંદ, સુશોભિત રથો અને ગજરાજો મુખ્ય આકર્ષણ રહ્યા. મોટી સંખ્યામાં સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓએ ભાગ લઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.

સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા

જળયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સેંકડો પોલીસકર્મીઓ, ટ્રાફિક સ્ટાફ, CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર યાત્રા પર સતત નજર રાખવામાં આવી હતી જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

મહત્વની વાત

જળયાત્રા માત્ર સાબરમતીમાંથી પવિત્ર જળ લાવવાની વિધિ નથી, પરંતુ ભગવાન જગન્નાથજીની માનવલીલા, સેવા, આરામ, આરોગ્ય અને ભક્તિ સાથે જોડાયેલી સદીઓ જૂની પરંપરાનું જીવંત પ્રતિક છે. આ જ પરંપરા અષાઢી બીજની ભવ્ય રથયાત્રાનો પવિત્ર પ્રારંભ માનવામાં આવે છે.