આજના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેંકિંગ એપ્સ, શોપિંગ સાઇટ્સ અને ઇમેઇલ આઇડી જેવા અનેક ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. આ સ્થિતિમાં દરેક એકાઉન્ટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ બનાવવો તેમજ તેને યાદ રાખવો એ એક મોટી માથાકૂટ બની જાય છે. ઘણા લોકો પાસવર્ડ ભૂલી જવાના ડરથી તમામ જગ્યાએ એક જ પાસવર્ડ વાપરવાની ભૂલ કરે છે, જે સાયબર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી છે. આ સમસ્યાનો સરળ અને સચોટ ઉકેલ ગૂગલ પાસવર્ડ મેનેજર આપે છે.

ગૂગલ પાસવર્ડ મેનેજર એ ગૂગલનું એક ફ્રી ટૂલ છે, જે એન્ડ્રોઇડ, iOS અને ક્રોમ બ્રાઉઝર પર ઉપલબ્ધ છે. તે તમારા તમામ પાસવર્ડ્સને સિક્યોરલી સેવ કરે છે અને જરૂર પડે ત્યારે ઓટોફિલ સુવિધા પૂરી પાડે છે.

ગૂગલ પાસવર્ડ મેનેજરના મુખ્ય ફાયદા:

  • પાસવર્ડ ઓટો-સેવ: ક્રોમ બ્રાઉઝર કે ફોનની કોઈ એપમાં નવું એકાઉન્ટ લોગ-ઇન અથવા સાઇન-અપ કરતી વખતે ગૂગલ આપમેળે જ તે પાસવર્ડ સેવ કરવાનો ઓપ્શન આપે છે.
  • ઓટોફિલ સુવિધા: એકવાર પાસવર્ડ સેવ થઈ ગયા પછી, બીજી વાર તે વેબસાઇટ કે એપ ખોલતી વખતે તમારે યુઝરનેમ કે પાસવર્ડ ટાઇપ કરવાની જરૂર રહેતી નથી.
  • સ્ટ્રોંગ પાસવર્ડ સજેશન: નવું એકાઉન્ટ બનાવતી વખતે ગૂગલ જાતે જ હેક ન થઈ શકે તેવો મજબૂત પાસવર્ડ સજેસ્ટ કરે છે.
  • પાસવર્ડ ચેકઅપ: આ ફીચર તમને જણાવે છે કે તમારો કોઈ પાસવર્ડ લીક કે કોમ્પ્રમાઇઝ થયો છે કે નહીં અથવા તમે વારંવાર એક જ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો કે નહીં.

ગૂગલ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કેવી રીતે કરવો?

૧. એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર: ૧. ફોનના Settingsમાં જાઓ. ૨. નીચે સ્ક્રોલ કરીને Google પર ક્લિક કરો. ૩. All Services સેક્શનમાં જઈને Autofillનો વિકલ્પ પસંદ કરો. ૪. અહીં Autofill with Google પર ક્લિક કરીને તેને ઓન કરી દો. ૫. હવે Google Password Manager સેક્શનમાં જઈને તમે તમામ સેવ થયેલા પાસવર્ડ જોઈ શકો છો.

Noble
જાહેરાત

૨. ક્રોમ બ્રાઉઝર પર: ૧. કમ્પ્યુટર કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. ૨. ઉપર જમણી બાજુ આપેલા થ્રી-ડોટ્સ પર ક્લિક કરીને Settingsમાં જાઓ. ૩. ડાબી બાજુ આપેલા Autofill and passwords વિકલ્પ પર ક્લિક કરી Google Password Manager પસંદ કરો. ૪. અહીં "Offer to save passwords" ઓપ્શન ઓન રાખવાનો રહેશે.

સેવ થયેલા પાસવર્ડ કેવી રીતે જોવા અને એડિટ કરવા? જો તમે કોઈ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હોવ, તો passwords.google.com પર જઈને અથવા ફોનના પાસવર્ડ મેનેજરમાં જઈ પોતાના ગૂગલ એકાઉન્ટનો સિક્યોરિટી પિન કે ફિંગરપ્રિન્ટ આપીને તમામ પાસવર્ડ જોઈ, એડિટ કે ડિલીટ કરી શકો છો. ગૂગલ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને તમે ડિજિટલ એકાઉન્ટ્સને વધુ સુરક્ષિત બનાવી શકો છો અને વારંવાર પાસવર્ડ રીસેટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો.