દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સામે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે(MHA) લોકસભામાં આપેલી માહિતી મુજબ, 30 જૂન 2026 સુધીમાં 3,718 મોબાઇલ એપ્લિકેશન્સ બ્લોક કરવામાં આવી હતી, જેમાં ફ્રોડ્યુલન્ટ લોન એપ્સનો પણ સમાવેશ થાય છે.
3,718 મોબાઇલ એપ્સ સામે કાર્યવાહી
સરકારના જણાવ્યા મુજબ, Indian Cyber Crime Coordination Centre (I4C) દ્વારા સાયબર ક્રાઇમ સામેની કાર્યવાહી હેઠળ આ મોબાઇલ એપ્સને બ્લોક કરવામાં આવી છે. આ કાર્યવાહી Information Technology Act, 2000ની Section 69-A અને Section 79(3)(b) હેઠળ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. બ્લોક કરાયેલી એપ્સમાં લોકોને છેતરતી અને ગેરકાયદેસર લોન આપતી એપ્સનો પણ સમાવેશ થાય છે. અહીં નોંધવું જરૂરી છે કે 3,718 એપ્સ 12 ઓગસ્ટે જ બ્લોક કરવામાં આવી નથી. આ આંકડો 30 જૂન 2026 સુધીની કાર્યવાહીનો છે, જ્યારે તેની માહિતી હવે સંસદમાં સામે આવી છે.
₹11,158 કરોડથી વધુની રકમ બચાવવામાં મદદ
સરકારે જણાવ્યું છે કે Citizen Financial Cyber Fraud Reporting and Management System (CFCFRMS) મારફતે મળેલી 32.80 લાખથી વધુ ફરિયાદોના આધારે સાયબર ફ્રોડમાં નાણાકીય નુકસાન અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.30 જૂન 2026 સુધીમાં આ વ્યવસ્થાના માધ્યમથી ₹11,158 કરોડથી વધુની રકમ બચાવવામાં અથવા નુકસાન અટકાવવામાં મદદ મળી હોવાનું સરકારે જણાવ્યું છે. આ ઉપરાંત, સરકારના જણાવ્યા પ્રમાણે Suspect Registryમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ ઓળખ અને mule accountsની માહિતી શેર કરવામાં આવી હતી, જેના આધારે ₹25,698 કરોડની કિંમતના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નકારવામાં આવ્યા હતા.
15.75 લાખથી વધુ SIM કાર્ડ પણ બ્લોક
સાયબર ક્રાઇમ સામેની કાર્યવાહી એપ્સ સુધી મર્યાદિત નથી. પોલીસ સત્તાવાળાઓ પાસેથી મળેલા અહેવાલોના આધારે 15.75 લાખથી વધુ SIM કાર્ડ અને 5.77 લાખ IMEI નંબર પણ 30 જૂન 2026 સુધીમાં બ્લોક કરવામાં આવ્યા હતા.
SIM કાર્ડ અને IMEIને બ્લોક કરવાનો હેતુ સાયબર ગુનામાં ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ કનેક્શન અને ડિવાઇસના ઉપયોગને રોકવાનો છે.
ફરિયાદ મળ્યા બાદ કેવી રીતે થાય છે કાર્યવાહી?
સાયબર ફ્રોડની ફરિયાદો મળ્યા બાદ સંબંધિત સિસ્ટમ દ્વારા નાણાકીય ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ એકાઉન્ટ્સ અંગે માહિતીનું સંકલન કરવામાં આવે છે. સરકારના જણાવ્યા પ્રમાણે, Money Restoration Module અને Grievance Redressal Module એપ્રિલ 2026થી કાર્યરત થયા છે, જેનો હેતુ ફ્રોડ થયેલા નાણાંની પુનઃપ્રાપ્તિ અને ફરિયાદોના ઝડપી નિવારણમાં મદદ કરવાનો છે.
સરકાર ચલાવી રહી છે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ
સાયબર ફ્રોડ અટકાવવા માટે માત્ર એપ્સ અને SIM બ્લોક કરવાની કાર્યવાહી જ નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સરકારના જણાવ્યા મુજબ SMS, સોશિયલ મીડિયા, ટેલિવિઝન, રેડિયો, શાળાઓ, સિનેમા અને અન્ય માધ્યમો દ્વારા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
લોકો માટે શું મહત્વનું?
સાયબર ફ્રોડથી બચવા માટે કોઈપણ અજાણી એપ ડાઉનલોડ કરતા પહેલાં તેની વિશ્વસનીયતા તપાસવી જરૂરી છે. ખાસ કરીને લોન આપતી અજાણી એપ્સને વ્યક્તિગત દસ્તાવેજો, બેંક વિગતો, OTP અથવા સંપર્કોની ઍક્સેસ આપતા પહેલાં સાવચેત રહેવું જોઈએ. અજાણી લિંક પર ક્લિક કરવી અથવા ફોન પર મળેલી સૂચના મુજબ પૈસા ટ્રાન્સફર કરવાથી પણ બચવું જોઈએ.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ