વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી રોજગાર મેળાના માધ્યમથી કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને સંગઠનો માટે ૫૧ હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. દેશભરમાં ૪૫ જેટલા સ્થળોએ આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવા પસંદ થયેલા કર્મચારીઓને ઉત્સાહવર્ધક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવાના વિશાળ લક્ષ્ય તરફ આગળ વધવા માટે યુવાશક્તિનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું કે સરકારી સેવામાં રહીને લેવાતો દરેક નિર્ણય દેશને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવાની દિશામાં હોવો જોઈએ.

આજના આ વિશેષ પ્રસંગે દેશના હજારો પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વડાપ્રધાને પવિત્ર તહેવારોના સમયગાળામાં સરકારી સેવામાં જોડાતા તમામ યુવાનો અને તેમના પરિવારજનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે યુવાનોની કઠોર મહેનત અને તેમના માતા-પિતાની તપસ્યાની સરાહના કરતાં ઉમેર્યું હતું કે ભારતીય યુવાનોની પ્રતિભા, કૌશલ્ય અને નવીન વિચારોએ આજે સમગ્ર વિશ્વનો વિશ્વાસ જીતી લીધો છે. વૈશ્વિક સ્તરે દેશના ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સ પ્રત્યે મોટો આદર ઊભો થયો છે.

નવનિયુક્ત યુવાનો ભારત સરકારના અત્યંત મહત્વના એવા મહેસૂલ વિભાગ, રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ અને સંરક્ષણ મંત્રાલય સહિતના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) ના જણાવ્યા અનુસાર, રોજગાર મેળો એ દેશના યુવાનો માટે આજીવિકાની નવી તકો ઊભી કરવાની સાથે સાથે રાષ્ટ્રના વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાની સરકારની દ્રઢ કટિબદ્ધતા દર્શાવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઓક્ટોબર ૨૦૨૨માં યુવા સશક્તિકરણના આ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ શ્રંખલાનો ૨૦મો રોજગાર મેળો સફળતાપૂર્વક યોજાયો છે. આજના ઉમેદવારો ઉમેરાતાં અત્યાર સુધીમાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં આશરે ૧૨.૭૫ લાખ જેટલા યુવાનોને સફળતાપૂર્વક નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા છે. અગાઉ લોકસભા ચૂંટણી પૂર્વે યોજાયેલા ૧૨મા રોજગાર મેળામાં એકસાથે સૌથી વધુ ૧ લાખ જોબ લેટર વિતરિત કરવામાં આવ્યા હતા, તેમજ ૨૦૨૫માં ૧૧ લાખનો આંકડો વટાવી ચૂક્યો હતો.

આ પહેલાં યોજાયેલા ૧૯મા રોજગાર મેળામાં પણ દેશના ૪૭ શહેરોમાંથી ૫૧ હજારથી વધુ યુવાનોને સરકારી સેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. રેલવે, ગૃહ, આરોગ્ય, નાણાકીય સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં યુવાશક્તિને જોડીને સરકારે દેશની સુશાસન યાત્રાને વધુ વેગવંતી બનાવી છે. યુવાનોની આ નવી ઊર્જા અને સમર્પણ ભાવનાથી દેશનો વિકાસ વધુ ઝડપી બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.