નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી BRICS સમિટ દરમિયાન સભ્ય દેશોએ સંયુક્ત ઘોષણાપત્ર સ્વીકાર્યું છે. ઘોષણાપત્રમાં મધ્યપૂર્વમાં વધી રહેલા સંઘર્ષને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તમામ પક્ષોને મહત્તમ સંયમ રાખવા તથા સંવાદ, પરામર્શ અને કૂટનીતિ દ્વારા વિવાદોના ઉકેલ તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી છે.
ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ સમિટમાં વૈશ્વિક શાંતિ, સુરક્ષા, વેપાર અને બહુપક્ષીય સહકાર જેવા મુદ્દાઓ મુખ્ય કેન્દ્રમાં રહ્યા છે. BRICS હવે 11 સભ્યોનું સંગઠન છે અને વિશ્વની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICS બિઝનેસ ફોરમમાં જણાવ્યું હતું કે સંગઠનના દેશો વિશ્વની આશરે 50% વસ્તી, 40% GDP અને 25%થી વધુ વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે.
મોદી-પુતિન વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા
સમિટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થઈ. બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધો સાથે વેપાર, ઊર્જા, સંરક્ષણ, સ્પેસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરી. બંને દેશોએ 2030 સુધીના આર્થિક સહકાર કાર્યક્રમને આગળ વધારવા પર પણ ચર્ચા કરી.
પુતિને વડાપ્રધાન મોદીને આગામી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યું છે અને મુલાકાતની તારીખો રાજદ્વારી માધ્યમથી નક્કી કરવામાં આવશે.
શી જિનપિંગની ભારત મુલાકાત પર પણ નજર
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ BRICS સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની ભારત મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત-ચીન સંબંધો, વેપાર અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર બંને દેશોના નેતાઓ વચ્ચે ચર્ચા થવાની શક્યતા છે.
આતંકવાદ અને વૈશ્વિક વેપાર પર પણ ભાર
BRICS દેશોએ આતંકવાદ સામે સહકાર અને વૈશ્વિક શાંતિ માટે બહુપક્ષીય વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સંયુક્ત ઘોષણામાં વૈશ્વિક વેપારના સરળ પ્રવાહનું મહત્વ પણ રેખાંકિત કરવામાં આવ્યું છે. દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતોના પાલનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ભારત માટે આ સમિટ માત્ર આર્થિક સહકારનું મંચ નથી, પરંતુ રશિયા, ચીન, ઈરાન સહિતના દેશો સાથે સંબંધો જાળવીને વૈશ્વિક સ્તરે ભારતની રાજદ્વારી ભૂમિકા મજબૂત કરવાનો મહત્વપૂર્ણ અવસર પણ છે. હાલમાં નવી દિલ્હીમાં BRICS સમિટ દરમિયાન લેવાતા નિર્ણયો પર સમગ્ર વિશ્વની નજર છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ