ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવ્યું; FIH પ્રો લીગમાં સ્થાન પણ નિશ્ચિત
ઓકલેન્ડ, 22 જૂન: ભારતીય મહિલા હોકી ટીમે આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાયેલી FIH હોકી વિમેન્સ નેશન્સ કપ 2025-26ની ફાઇનલમાં ભારતે યજમાન ન્યૂઝીલેન્ડને 2-0થી પરાજય આપીને બીજી વખત ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે.
ભારત તરફથી નવનીત કૌર અને સુનેલિતા ટોપ્પોએ એક-એક ગોલ નોંધાવી ટીમને જીત અપાવી હતી. મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. ચોથી મિનિટે નવનીત કૌરે ગોલ કરીને ભારતને શરૂઆતની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ 15મી મિનિટે સુનેલિતા ટોપ્પોએ વધુ એક ગોલ ફટકારી ભારતની લીડને બમણી કરી દીધી હતી.
બે ગોલની સરસાઈ બાદ ભારતીય ટીમે મજબૂત સંરક્ષણાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ડિફેન્સ અને ગોલકીપર સામે તેઓ સફળ થઈ શક્યા નહોતા. પરિણામે ભારતે 2-0થી વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી.
આ જીત સાથે ભારતીય મહિલા ટીમે આગામી FIH વિમેન્સ પ્રો લીગમાં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કર્યું છે. વિશ્વ હોકીમાં પ્રો લીગને સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાંની એક ગણવામાં આવે છે અને તેમાં સ્થાન મેળવવું ભારતીય હોકી માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. ટીમ સમગ્ર સ્પર્ધામાં અજેય રહી હતી અને સેમિફાઇનલમાં ચિલીને 6-0ના મોટા અંતરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતે અગાઉ 2022માં યોજાયેલી પ્રથમ FIH વિમેન્સ નેશન્સ કપ સ્પર્ધામાં પણ ખિતાબ જીત્યો હતો. હવે બીજી વખત ચેમ્પિયન બની ભારતીય મહિલા હોકી ટીમે પોતાની સતત પ્રગતિ અને વિશ્વ હોકીમાં વધતી તાકાતનો પુરાવો આપ્યો છે.
ભારતીય ખેલાડીઓની આ સિદ્ધિથી દેશભરમાં રમતપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને ટીમને અભિનંદનોનો વરસાદ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ