ભાવનગર અને બોટાદ જિલ્લાના મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા વેરાવળ-સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં ફેરફાર કરાતાં હવે આ વિસ્તારોને પણ હાઇસ્પીડ ટ્રેનની સીધી કનેક્ટિવિટી મળી ગઈ છે. સોમવારે વિવિધ રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને ટ્રેનનું ઉત્સાહભેર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

નવા નિર્ધારિત રૂટ મુજબ હવે આ સુપરફાસ્ટ ટ્રેન ઢસા, ધોળા, બોટાદ, જૂનાગઢ, ચીતલ, ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર ઊભી રહેશે. જેનાથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી અને આરામદાયક બનશે. આ ટ્રેન અઠવાડિયામાં ગુરુવાર સિવાયના તમામ ૬ દિવસ દોડશે.

સમયપત્રક પર એક નજર

  • વેરાવળથી સાબરમતી: વેરાવળથી બપોરે ૩:૫૦ વાગ્યે ઉપડીને રાત્રે ૧૦:૨૫ વાગ્યે સાબરમતી પહોંચશે. આ દરમિયાન ટ્રેન સાંજે ૬:૨૮ વાગ્યે ઢસા, ૬:૫૦ વાગ્યે ધોળા, ૭:૩૦ વાગ્યે બોટાદ અને રાત્રે ૮:૧૦ વાગ્યે ધંધુકા પહોંચશે.

  • સાબરમતીથી વેરાવળ: સાબરમતીથી ઉપડતી ટ્રેન સવારે ૭:૩૫ વાગ્યે ધંધુકા, ૮:૨૦ વાગ્યે બોટાદ, ૮:૪૮ વાગ્યે ધોળા અને ૯:૧૭ વાગ્યે ઢસા પહોંચશે.

હાઇટેક સુવિધાઓથી સજ્જ કોચ ૮ કોચ ધરાવતી આ ટ્રેનમાં ૭ સામાન્ય ચેર કાર અને ૧ એક્ઝિક્યુટિવ ચેર કારનો સમાવેશ થાય છે. મુસાફરોની સુવિધા માટે દરેક સીટ પર ચાર્જિંગ પોઇન્ટ, યુએસબી સોકેટ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સ્ક્રીન આપવામાં આવી છે. આ સિવાય ટ્રેનમાં ઓન-બોર્ડ વાઇફાઇ, ટચ-ફ્રી બાયો વેક્યુમ શૌચાલય, ચા-કોફી માટે મિની પેન્ટ્રી, સીસીટીવી કેમેરા અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. બુકિંગ વખતે જ મુસાફરો માટે સીટ પર જ નાસ્તો અને જમવાનું મેળવવાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે.