યુરોપમાં ભીષણ ગરમીના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. મોટા ભાગના દેશોમાં અસહ્ય ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી વધુ નોંધાઈ રહ્યું છે. ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં ગરમીએ નવા રેકોર્ડ નોંધાવ્યા છે, જ્યારે ઈટાલીમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને 27 શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈટાલીમાં પહેલી વખત નેશનલ હીટ સર્વેલેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.

ઓસ્ટ્રિયામાં તાપમાન 41.2 ડિગ્રી સુધી પહોંચતાં જનજીવન પર અસર પડી હતી, જ્યારે સ્લોવાકિયામાં પ્રથમ વખત તાપમાન 42.2 ડિગ્રી સુધી નોંધાયું હતું. ફ્રાન્સ, જર્મની અને અન્ય અનેક યુરોપિયન દેશોમાં પણ ગરમીની તીવ્રતા વધી ગઈ છે. વધતા તાપમાનને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકારોને તાત્કાલિક રાહતના પગલાં લેવા પડ્યા છે.

ઈટાલીમાં લોકોને રાહત મળે તે માટે ખાનગી સ્વિમિંગ પૂલ, તળાવો અને બીચ ખુલ્લા મુકવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ કૂલિંગ ફેન અને ઠંડક આપતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ગરમીથી બચાવ માટે ઉપયોગમાં લેવાતા કૂલિંગ ઉપકરણોની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પાણીના ફુવારા સાથે ચાલતા પંખા સહિતના ઉપકરણો બજારમાં વધુ વેચાઈ રહ્યા છે.

Noble
જાહેરાત

જર્મનીમાં અનેક નદીઓનું પાણી ઘટીને રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે પાણીની તંગીની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફ્રાન્સમાં આકરી ગરમીને કારણે અનેક જંગલોમાં આગ લાગી છે. આગ કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટર્સ સતત કામગીરી કરી રહ્યા છે. બ્લેઝ વિસ્તારમાં લાગેલી આગ લગભગ 60 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ હોવાનું જણાવાયું છે. અન્ય વિસ્તારોમાં પણ આગ ફાટી નીકળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હંગેરીમાં ડાનૂબે નદીનું પાણી ઘટતાં વીજ પુરવઠા પર અસર પડી છે. પરમાણુ વીજ પ્લાન્ટમાં ઉત્પાદન અટકતાં વીજ કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે. સમગ્ર યુરોપમાં ગરમીની આ લહેરને કારણે આરોગ્ય, પાણી અને ઊર્જા વ્યવસ્થાઓ પર વધતું દબાણ જોવા મળી રહ્યું છે.