જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી એકતા દોડમાં મેયર, ધારાસભ્યો, પ્રભારી સચિવ, કલેક્ટર, કમિશનર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, અધિકારીઓ સહિત નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

જામનગર તા.૩૧ ઓક્ટોબર, ભારતના લોખંડી પુરુષ અને દેશની એકતા તથા અખંડિતતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ એકતા દોડમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

‘રન ફોર યુનિટી’ રેલીનો પ્રારંભ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી કરવામાં આવ્યો હતો. અહીંથી રેલી સંતોષી માતાના મંદિર થઈ સાત રસ્તા સર્કલ સુધી પહોંચી હતી. ત્યારબાદ રેલી પરત સંતોષી માતાના મંદિર થઈ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન સહભાગીઓએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. તેમની દૃઢ ઇચ્છાશક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાના આશયથી દર વર્ષે તેમની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જામનગરમાં આયોજિત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ થકી નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવા ઉપસ્થિત સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

રેલીનું પ્રસ્થાન મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસે કરાવ્યું હતું. રેલીમાં ધારાસભ્યો સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, જામનગરના પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યા,જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ. રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ડેપ્યુટી મેયરશ્રી રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરેનભાઈ મોનાણી સહિતના મહાનુભાવો તેમજ પોલીસ વિભાગના જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.