જામનગરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, શ્રમિક કલ્યાણ માટે થઈ રહેલી કામગીરી અને ગ્રામ વિકાસ સંબંધિત પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
મંત્રી કુંવરજી બાવળીયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે સરકારની દરેક યોજના તેનો લાભ મેળવવા પાત્ર વ્યક્તિ સુધી સમયસર અને કોઈપણ પ્રકારના વિલંબ વિના પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે જણાવ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો મુખ્ય હેતુ સમાજના અંતિમ છેવાડાના લાભાર્થી સુધી સહાય પહોંચાડવાનો છે.
બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલમાં મૂકાતી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન યોજના, 'લખપતિ દીદી' પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તેમજ સ્વચ્છ ભારત મિશન જેવી યોજનાઓની પ્રગતિ અંગે માહિતી રજૂ કરવામાં આવી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી શારદા કાથડે વિભાગવાર વિગતો રજૂ કરી હતી.
રોજગાર વિભાગની કામગીરીની સમીક્ષા દરમિયાન જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપાએ ઉમેદવારોની નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, ભરતી મેળાઓનું આયોજન, સ્વ-રોજગારી સેમિનાર, વિદેશ રોજગાર માહિતી કેન્દ્ર અને અનુબંધમ પોર્ટલ પર નોંધાયેલા એકમો અંગે માહિતી આપી હતી. મંત્રીએ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું.
આ ઉપરાંત મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા શ્રમિકોને કરવામાં આવેલા ચૂકવણાં, બોનસ, ગ્રેચ્યુઈટી તેમજ અસંગઠિત શ્રમિકો માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી. નાયબ નિયામક (ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય) દ્વારા જિલ્લામાં નોંધાયેલા કારખાનાઓ, જોખમી ઔદ્યોગિક એકમો, અકસ્માત નિવારણ માટે લેવાયેલા પગલાં તેમજ બાંધકામ શ્રમયોગી અધિનિયમ હેઠળની કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી.
બેઠકમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત વિવિધ કલ્યાણકારી યોજનાઓની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. જેમાં ઈ-નિર્માણ કાર્ડ, ધન્વંતરી આરોગ્ય રથ, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ, શિક્ષણ સહાય, અકસ્માત મૃત્યુ સહાય, અંત્યેષ્ઠી સહાય, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના તથા શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના અમલીકરણ અને લાભાર્થીઓ સુધી તેની પહોંચ અંગે ચર્ચા કરવામાં આવી.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ