ભારતીય સિનેજગતમાં પોતાના અદ્ભુત અને સહજ અભિનયથી અમીટ છાપ છોડનારા સુપ્રસિદ્ધ એક્ટર અનંત નાગને વર્ષ 2024ના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આગામી 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કેવડિયા ખાતે આયોજિત થનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન તેમને આ ગૌરવવંતું સન્માન એનાયત કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ આપ્યા અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અનંત નાગને ખાસ શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું કે, "દાયકાઓ સુધી તેમના સહજ અભિનય અને અદ્ભુત પ્રતિભાએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમાને એક નવી ઊંચાઈ આપી છે અને દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી છે."

'KGF'માં આનંદ ઇંગલાગીનું યાદગાર પાત્ર બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF: ચેપ્ટર 1' (2018)માં અનંત નાગે વરિષ્ઠ પત્રકાર અને લેખક 'આનંદ ઇંગલાગી'ની દમદાર ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નેરેટર તરીકે તેમના ગંભીર અવાજ, સંતુલિત એક્ટિંગ અને શાનદાર સ્ટોરીટેલિંગ શૈલીએ ફિલ્મના પ્રથમ ભાગને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો. જોકે, સ્ક્રીપ્ટમાં ફેરફાર અને સ્વાસ્થ્યના કારણોસર તેઓ 'KGF: ચેપ્ટર 2'નો હિસ્સો બની શક્યા નહોતા.

300થી વધુ ફિલ્મો અને 'માલગુડી ડેઝ'થી ઘેર-ઘેર ઓળખ 4 સપ્ટેમ્બર 1948ના રોજ જન્મેલા અનંત નાગ (અનંત નાગરકટ્ટે)એ પોતાની યાદગાર કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 250થી વધુ કન્નડ ફિલ્મો છે. કન્નડ ઉપરાંત તેમણે હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. ફિલ્મો ઉપરાંત દૂરદર્શનના ઓલ-ટાઈમ ફેવરિટ શો 'માલગુડી ડેઝ'થી તેઓ ઘરે-ઘરે લોકપ્રિય થયા હતા. તેઓ 5 વખત કર્ણાટક રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ જીતી ચૂક્યા છે.

2025માં 'પદ્મ ભૂષણ'થી કરાયા હતા સન્માનિત કલા અને સિનેમા ક્ષેત્રે અપ્રતિમ યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2025માં અનંત નાગને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'થી નવાજ્યા હતા.

જાણો દાદાસાહેબ ફાળકે એવોર્ડનો ઇતિહાસ:

  • 1954માં નેશનલ એવોર્ડની શરૂઆત: ભારત સરકારે સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા 1954માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શરૂઆત કરી હતી. 10 ઓક્ટોબર 1954ના રોજ યોજાયેલા પ્રથમ સમારોહમાં મરાઠી ફિલ્મ 'શ્યામચી આઈ'ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

  • 1969માં ફાળકે એવોર્ડનો પ્રારંભ: ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં 1969થી આ એવોર્ડ આપવાનું શરૂ થયું, જેમાં પ્રથમ વિજેતા દેવિકા રાણી બન્યા હતા.

  • અત્યાર સુધીમાં 54 જેટલી મહાન હસ્તીઓને આ પુરસ્કાર મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં મિથુન ચક્રવર્તી અને 2025માં સુપરસ્ટાર મોહનલાલને આ સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.