રાજ્યભરમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તા વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત 'ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક' અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નવીન રેન્કિંગ સિસ્ટમમાં સરકારીની સાથે તમામ ખાનગી શાળાઓ માટે પણ ભાગ લેવો ફરજિયાત બનાવાયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

પહેલો તબક્કો: વડોદરાની 2103 સ્કૂલોએ પોર્ટલ પર ડેટા અપલોડ કર્યો શાળા મૂલ્યાંકન પ્રક્રિયાના પ્રથમ તબક્કા હેઠળ તમામ સ્કૂલોએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની સુવિધાઓ અને દસ્તાવેજો રજૂ કરીને સ્વ-મૂલ્યાંકન (Self-Assessment) કરવાનું હતું. વડોદરા જિલ્લાની કુલ 2,118 શાળાઓમાંથી રેકોર્ડબ્રેક 2,103 શાળાઓએ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. DEO કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બાકી રહેલી 15 સ્કૂલોમાંથી 3 તો કાયમી ધોરણે બંધ થઈ ચૂકી છે, જ્યારે અન્ય શાળાઓ પણ પ્રક્રિયા પૂર્ણ કરવાની દિશામાં છે.

મૂલ્યાંકનમાં કયા મુદ્દા પર રહેશે વિશેષ ધ્યાન?

  • મૂળભૂત સુવિધાઓ: વિદ્યાર્થીઓને મળતી ભૌતિક અને શૈક્ષણિક સગવડો.

  • શિક્ષકોનું કૌશલ્ય: શિક્ષકોની સંખ્યા, શૈક્ષણિક લાયકાત અને તેમની કાર્યપદ્ધતિ.

  • સંચાલન અને પદ્ધતિ: શાળાનું વહીવટી સંચાલન, અભ્યાસક્રમ અને ભણાવવાની આધુનિક શૈલી.

  • વાલી-વિદ્યાર્થી સંતોષ: શાળા પ્રત્યે વાલીઓ અને વિદ્યાર્થીઓનો પ્રતિસાદ.

  • સમાવેશી શિક્ષણ: તમામ વર્ગના બાળકો માટે શિક્ષણની સમાન તકો.

બીજો તબક્કો: 425 વેરિફાયર્સ કરશે સ્થળ તપાસ, 220નું રજિસ્ટ્રેશન સંપન્ન બીજા તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા નિમણૂક કરાયેલા વેરિફાયર્સ રૂબરૂ શાળાની મુલાકાત લઈને વિગતોની ચકાસણી કરશે. આ બાહ્ય મૂલ્યાંકન (External Assessment) માટે વડોદરામાં 425 વેરિફાયર્સની જરૂરિયાત સામે હાલ 220 જેટલા વેરિફાયર્સનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. બાકીના વેરિફાયર્સની નોંધણી પ્રક્રિયા ચાલુ છે. સ્થળ તપાસ શરૂ થાય તે પહેલાં તમામ વેરિફાયર્સને ખાસ ઓનલાઈન ટ્રેનિંગ આપી સજ્જ કરવામાં આવશે.

આ પારદર્શક પ્રક્રિયાથી વડોદરાની શાળાઓમાં શિક્ષણનું ધોરણ વધુ ઊંચું આવશે અને વાલીઓને પણ શાળાની સાચી ગુણવત્તા જાણવા મળશે.