અંતરિક્ષ ક્ષેત્રે ભારતની વધતી જતી તાકાત અને વૈશ્વિક પ્રભાવને ધ્યાનમાં રાખીને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ભારતને પોતાના અત્યંત મહત્વાકાંક્ષી 'મૂન બેઝ પ્રોગ્રામ'માં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. માનવ ઇતિહાસના ચંદ્ર પરના પ્રથમ કાયમી આઉટપોસ્ટ તરીકે આ મિશનની કલ્પના કરવામાં આવી છે. આ મિશનમાં ભારતની ભાગીદારી સ્પેસ સેક્ટરમાં ભારત અને અમેરિકાના સંબંધોનો એક નવો અધ્યાય આલેખશે.
બેંગ્લોરની બેઠકમાં લેવાયો નિર્ણય: બેંગ્લોર સ્થિત ઈસરો મુખ્યાલય ખાતે આયોજિત '9મી ઈન્ડિયા-યુએસ સિવિલ સ્પેસ જોઇન્ટ વર્કિંગ ગ્રૂપ'ની બેઠકમાં અમેરિકા દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચે 'ટ્રસ્ટ' ઇનિશિયેટિવ અંતર્ગત સ્પેસ કોઓપરેશનને વધુ મજબૂત કરવાનો આ મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
દક્ષિણ ધ્રુવ પર ભારતનો દબદબો: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનારો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. ઓગસ્ટ ૨૦૨૩માં 'ચંદ્રયાન-૩' મિશન હેઠળ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે શિવશક્તિ પોઇન્ટ પર ઉતરાણ કરીને ઐતિહાસિક સફળતા મેળવી હતી. નાસા પણ પોતાનો મૂન બેઝ ચંદ્રના આ જ દક્ષિણ ધ્રુવ પર બનાવવા જઈ રહ્યું છે, જ્યાં બરફના સ્વરૂપમાં પાણી મળી આવવાની શક્યતાઓ સૌથી વધુ છે. આ પાણીમાંથી પીવાનું પાણી, ઓક્સિજન અને રોકેટ ફ્યુઅલ બનાવી શકાશે.
આર્ટેમિસ એકોર્ડ્સ અને ડેટા શેરિંગ: ભારત જૂન ૨૦૨૩માં 'આર્ટેમિસ એકોર્ડ્સ' પર હસ્તાક્ષર કરનારો ૨૭મો દેશ બન્યો હતો. આ સંધિ હેઠળ સ્પેસ મિશનમાંથી મળતા વૈજ્ઞાનિક ડેટાને 'ઓપન સાયન્ટિફિક ડેટા' તરીકે વૈશ્વિક સંશોધકો સાથે શેર કરવા પર પણ બંને દેશો સંમત થયા છે, જેથી સમગ્ર વૈજ્ઞાનિક સમુદાયને તેનો લાભ મળી શકે.
NISAR અને ભવિષ્યના મિશન: નાસા અને ઈસરો અગાઉથી જ $૧.૪ બિલિયનથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા વિશ્વના સૌથી મોંઘા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 'નિસાર' (NISAR) પર સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, ભારતના પોતાના માનવ સ્પેસફ્લાઇટ મિશન 'ગગનયાન' અને વર્ષ ૨૦૪૭ સુધીના ભારતના 'સ્પેસ વિઝન'ને ધ્યાનમાં રાખીને નાસાનું આ આમંત્રણ ભારતને વૈશ્વિક સ્પેસ સુપરપાવર તરીકે મજબૂત સ્થાન અપાવશે. આ ભાગીદારી આકાર લેશે તો ભવિષ્યમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારત અને અમેરિકાની સંયુક્ત માનવ સફરનું પ્રતિક જોવા મળશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ