કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) ક્ષેત્રે વૈશ્વિક સ્તરે થઈ રહેલી પ્રગતિ વચ્ચે સંશોધન અને વિકાસ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક પરિવર્તન સામે આવ્યું છે. ટેક કંપની એન્થ્રોપિકનું જાણીતું AI મોડેલ 'ક્લોડ' હવે ભવિષ્યની નવી ટેકનોલોજી અને નવા AI મોડેલ્સના વિકાસમાં ટેકનિશિયનો માટે એક સશક્ત સાથીદાર તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરના વિશ્લેષણ અનુસાર, કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધન અને વિકાસના કાર્યોમાં ૨૬ ટકા જેટલી ભૂમિકામાં 'ક્લોડ' નેતૃત્વ પૂરૂં પાડી રહ્યું છે, જે ટેકનોલોજીની ઝડપી અને ગુણવત્તાયુક્ત પ્રગતિ દર્શાવે છે.

લાંબા સમયથી ચર્ચાતી 'રિકર્સિવ સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ' એટલે કે એઆઈ દ્વારા પોતાની મેળે જ શ્રેષ્ઠતા તરફ આગળ વધવાની ક્ષમતાની દિશામાં 'ક્લોડ' એક મજબૂત કદમ ઉઠાવી રહ્યું છે. જોકે કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, 'ક્લોડ' હાલમાં સ્વતંત્ર રીતે પોતાનું નવું સ્વરૂપ નથી બનાવી રહ્યું, પરંતુ માનવ સંશોધકોની દેખરેખ હેઠળ જટિલ અને મોટા પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યું છે.

આંકડાકીય દ્રષ્ટિએ જુઓ તો, આ વર્ષના પ્રારંભિક મહિનાઓમાં AIની આ નેતૃત્વ ક્ષમતા ૧ ટકાથી પણ ઓછી હતી, જે અવકાશ અને સંશોધન ક્ષેત્રે થયેલી ઝડપી સફળતાને કારણે ટૂંકા સમયમાં વધીને ૨૬ ટકા સુધી પહોંચી ગઈ છે. હાલમાં એન્થ્રોપિકના સંશોધન અને વિકાસ કાર્યના ૯૦ ટકાથી વધુ કામોમાં 'ક્લોડ' એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સાથે ખભેથી ખભા મિલાવીને સહયોગ આપી રહ્યું છે. એક સમયે કંપનીના આંતરિક પ્લેટફોર્મ પર આશરે ૩૦,૦૦૦ જેટલા AI એજન્ટ્સ સંશોધનના કાર્યો સંભાળી રહ્યા હતા. આ તમામ કાર્યો માનવ સુપરવિઝન અને સખત ઓનલાઇન મોનિટરિંગ હેઠળ જ હાથ ધરવામાં આવે છે.

સુરક્ષા અને પારદર્શિતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા કંપનીએ જણાવ્યું કે, AI દ્વારા લેવાતા દરેક નિર્ણયની ઝીણવટભરી ચકાસણી થાય છે. આ માટે કંપની પોતાના કમ્પ્યુટિંગ પાવરનો મોટો હિસ્સો એટલે કે ૧૨ ટકા જેટલા સંસાધનો માત્ર સેફ્ટી અને પ્રોસેસ ચેકિંગ પાછળ ખર્ચે છે, જેથી ટેકનોલોજી સંપૂર્ણપણે સલામત અને માનવ કલ્યાણકારી બની રહે.

એન્થ્રોપિકે આ બધી વિગતો જાહેર કરીને વૈશ્વિક સ્તરે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. કંપનીનો મુખ્ય હેતુ ટેકનોલોજી ડવલપમેન્ટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે, જેથી વિશ્વના અન્ય ડેવલપર્સ પણ આ પ્રકારે ડેટા શેર કરે અને સલામત AI સિસ્ટમના નિર્માણમાં સહયોગ આપે. 'ક્લોડ' ભલે અત્યારે પોતે નવું મોડેલ ડિઝાઇન કે ટ્રેન નથી કરતું, પરંતુ જે ઝડપે તે માનવીય શક્તિ અને ક્ષમતામાં વધારો કરી રહ્યું છે, તે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવી અને ઉજ્જવળ સવાર સમાન છે.

આ પ્રગતિને માપવા માટે એન્થ્રોપિકે 'ઇપોક એઆઈ'ના ઓટોમેશન સ્કેલ આધારિત આંતરિક 'આરએન્ડડી ઓટોમેશન ઇન્ડેક્સ' તૈયાર કર્યો છે. જેમાં AIની ભાગીદારીને AL0 (બિલકુલ સામેલગીરી નહીં)થી લઈને AL2 (સહાયક), AL3 (સહયોગી) અને AL4 (માનવ દેખરેખ હેઠળ નેતૃત્વ) જેવા તબક્કાઓમાં વહેંચવામાં આવી છે, જેનાથી ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને વધુ સુવ્યવસ્થિત બનાવી શકાય.