વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આંધ્ર પ્રદેશના પ્રવાસે પહોંચ્યા. તેમણે વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે નિર્માણ પામેલા અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આશરે ₹5,000 કરોડના ખર્ચે વિકસિત આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉત્તર આંધ્ર પ્રદેશમાં હવાઈ કનેક્ટિવિટી મજબૂત કરવાની સાથે વેપાર, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે.
આંધ્ર પ્રદેશ પહોંચ્યા બાદ વડાપ્રધાને અમરાવતીમાં રોડ શોમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ ભોગાપુરમ પહોંચ્યા, જ્યાં નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટના કાર્યરત બનવાથી વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને શ્રીકાકુલમ સહિતના વિસ્તારોને સીધો લાભ મળશે.
₹18 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ આશરે ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું. તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ પરિવહન, પેટ્રોલિયમ, સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં રોકાણ, રોજગારી અને આર્થિક વિકાસને વેગ આપશે.
ઢિમસા નૃત્ય સાથે થયો ભવ્ય સ્વાગત
એરપોર્ટના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ખુલ્લી ગાડીમાં જનસભા સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન 13,500થી વધુ આદિવાસી મહિલાઓ અને વિદ્યાર્થીઓએ પરંપરાગત ઢિમસા નૃત્ય દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
'સુવર્ણ આંધ્ર'ના વિઝનને સાકાર કરવાનો દિવસ: PM મોદી
જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "આજનો દિવસ આંધ્ર પ્રદેશના વિકાસ અને 'સુવર્ણ આંધ્ર'ના વિઝન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શુભ અવસર અને પવિત્ર મહિનામાં ઉત્તર આંધ્રની આ પવિત્ર ભૂમિ પર આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે."
તેમણે પોતાના સંબોધનની શરૂઆત ભગવાન શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી, શ્રી કુર્મનાથ સ્વામી અને માતા પૌંડિતલ્લી અમ્મવારુને નમન કરીને કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે કેન્દ્ર સરકાર આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા કનેક્ટિવિટી વધારવા માટે સતત કાર્ય કરી રહી છે.
ભોગાપુરમ એરપોર્ટની મુખ્ય વિશેષતાઓ
- એરપોર્ટનું નિર્માણ GMR વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા PPP મોડેલ હેઠળ કરવામાં આવ્યું છે.
- કુલ 2,703.26 એકર વિસ્તારમાં એરપોર્ટ વિકસાવવામાં આવ્યો છે.
- પ્રથમ તબક્કામાં દર વર્ષે 60 લાખ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે.
- ભવિષ્યમાં ક્ષમતા વધારીને દર વર્ષે 4 કરોડ મુસાફરો સુધી પહોંચાડવાની યોજના છે.
- 3,800 મીટર લાંબો Code-E રનવે બોઇંગ 777, બોઇંગ 787 ડ્રીમલાઇનર તેમજ એરબસ A330 અને A340 જેવા મોટા વિમાનોના સંચાલન માટે સક્ષમ છે.
- એરપોર્ટમાં 25,000 મેટ્રિક ટન ક્ષમતાવાળું કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેમાં ફાર્માસ્યુટિકલ અને દરિયાઈ ઉત્પાદનો માટે કોલ્ડ ચેઇન સુવિધા ઉપલબ્ધ છે.
- એરપોર્ટને DGCAનું લાઇસન્સ મળી ચૂક્યું છે અને તે ભારતના ઝડપથી પૂર્ણ થયેલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સમાંનો એક છે.
ઉત્તર આંધ્રના વિકાસને મળશે નવી દિશા
નવા એરપોર્ટના કાર્યરત બનવાથી ઉત્તર આંધ્ર પ્રદેશમાં હવાઈ પરિવહન વધુ મજબૂત બનશે. ઉપરાંત પ્રવાસન, વેપાર, નિકાસ અને નવા ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન મળશે. સરકારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ રાજ્યના આર્થિક વિકાસને ગતિ આપવાની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી કરશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ