અમદાવાદ શહેરના જાહેર પરિવહનમાં એક નવો સ્વર્ણિમ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. મેટ્રો સેવાને વધુ ઝડપી, આધુનિક અને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સમાન 'ગરબા અને ઉત્તરાયણ'ની રંગબેરંગી થીમ પર આધારિત 10 નવી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનોનું અમદાવાદમાં આગમન થયું છે. આગામી દિવસોમાં તબક્કાવાર રીતે તમામ 10 ટ્રેન સેટ્સ આવી પહોંચશે. હાલમાં ગ્યાસપુર ડેપો ખાતે ઉપલબ્ધ થયેલા ટ્રેન સેટ્સ પર મેન્ટેનન્સ અને ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ જોશથી હાથ ધરવામાં આવી છે.
'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ આ નવી મેટ્રો ટ્રેનો પશ્ચિમ બંગાળની 'ટીટાગઢ રેલ સિસ્ટમ્સ' દ્વારા સંપૂર્ણપણે ભારતમાં જ નિર્માણ પામી છે, જ્યારે અગાઉની ૩૨ ટ્રેનો દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવી હતી. ૭૫૦ V ડીસી સિસ્ટમથી સજ્જ આ દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ (ઓટોમેશન ગ્રેડ-૪) મેટ્રો છે. સ્ટેનલેસ સ્ટીલની આકર્ષક બોડી ધરાવતી આ ટ્રેન પાટા પર પ્રતિ કલાક ૮૦ થી ૯૦ કિમીની ઝડપ ધારણ કરવા સક્ષમ છે. તેની સાથે જ, ટ્રેનમાં સેન્ટ્રલાઇઝ્ડ એરકંડિશનિંગ, સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન, ડિજિટલ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે અને હાઇટેક પૅસેન્જર સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને અત્યાધુનિક ફાયર ડિટેક્શન સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. રૂ. ૩૫૦ કરોડના કુલ પ્રોજેક્ટ ખર્ચ સાથે તૈયાર કરાયેલી આ મેટ્રોમાં ૩ કોચ ધરાવતી પ્રત્યેક ટ્રેનની પડતર કિંમત રૂ. ૩૫ કરોડ છે.
ગ્યાસપુર ડેપોમાં આવી પહોંચેલી ટ્રેનોનું પ્રાથમિક નિરીક્ષણ શરૂ કરી દેવાયું છે. આગામી સમયમાં રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) અને કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા કડક સુરક્ષા તપાસ અને ચકાસણી બાદ સેફ્ટી સર્ટિફિકેટ મેળવવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ આવનારા નવા વર્ષમાં આ તમામ ટ્રેનોને નાગરિકોની સુવિધાર્થે સફળતાપૂર્વક પાટા પર દોડાવવામાં આવશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ