એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ અને ડ્રો જાહેર કરવામાં આવ્યો છે. જાપાનના એચી-નાગોયા (Aichi-Nagoya) ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટની તમામ મેચો T20 ફોર્મેટમાં રમાશે અને તેને આંતરરાષ્ટ્રીય T20નો દરજ્જો મળશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની મેન્સ અને વુમન્સ બંને ટીમને તેમના રેન્કિંગના આધારે સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રમાશે, જ્યારે પુરુષોની ક્રિકેટ સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી યોજાશે. તમામ મેચો જાપાનના કોરોગી એથ્લેટિક પાર્ક, એચી પ્રિફેક્ચર ખાતે રમાશે.
મેન્સ ક્રિકેટમાં ભારત સહિત 4 ટીમોને સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન
પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે.
બાકીની 6 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ગ્રુપ A
- અફઘાનિસ્તાન
- જાપાન
- નેપાળ
ગ્રુપ B
- હોંગકોંગ ચાઇના
- મલેશિયા
- ઓમાન
દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે, જ્યાં તેમનો મુકાબલો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે થશે.
ભારત અને પાકિસ્તાન ફક્ત સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ ટકરાશે
ડ્રોમાં ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ભાગમાં રાખવામાં આવ્યા છે. તેથી બંને ટીમો ક્વાર્ટર ફાઇનલમાં એકબીજા સામે નહીં રમે. જો બંને પોતાની મેચ જીતશે તો તેમની ટક્કર માત્ર સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ શક્ય બનશે.
ભારતીય મહિલા ટીમ પ્રથમ મેચમાં જાપાન સામે રમશે
મહિલા ક્રિકેટ સ્પર્ધામાં કુલ 8 ટીમો ભાગ લેશે અને ટુર્નામેન્ટની શરૂઆત સીધી ક્વાર્ટર ફાઇનલથી થશે. ભારત પોતાની પ્રથમ મેચમાં યજમાન જાપાન સામે રમશે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો સેમિફાઇનલમાં તેનો મુકાબલો બાંગ્લાદેશ અથવા ચીન સામે થશે.
અન્ય ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકા સામે મલેશિયા અને પાકિસ્તાન સામે થાઇલેન્ડ ટકરાશે.
2023માં ભારતે જીત્યા હતા બંને ગોલ્ડ મેડલ
હાંગઝોઉમાં યોજાયેલા 2023 એશિયન ગેમ્સમાં ભારતે મેન્સ અને વુમન્સ બંને ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. પુરુષોની ફાઇનલ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી નહોતી, પરંતુ વધુ સારી સીડિંગના આધારે ભારતને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. જ્યારે મહિલા ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ જીત્યો હતો.
આ વખતે પણ ભારતીય ટીમ બંને વિભાગમાં ગોલ્ડ મેડલ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ