ડેહરાડૂનના મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત હિમાદ્રી આઈસ રિંક ખાતે આયોજિત ચાર દિવસીય 'એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી ૨૦૨૬'નું રોમાંચક સમાપન થયું છે. એશિયાના ૧૪ દેશોના ટોચના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં ૧૩ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ સાથે કુલ ૪૪ મેડલ પોતાના નામે કર્યા હતા.
મેડલ ટેલીની આખરી સ્થિતિ:
-
થાઈલેન્ડ: ૧૬ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૩ બ્રોન્ઝ (કુલ ૨૫ મેડલ) સાથે પ્રથમ સ્થાને રહ્યું.
-
ભારત: ૧૩ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ (કુલ ૪૪ મેડલ) સાથે બીજા સ્થાને રહ્યું. જોકે, કુલ મેડલની સંખ્યાની દ્રષ્ટિએ ભારત સૌથી આગળ રહ્યું હતું.
-
ચીન: ૧૨ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૮ બ્રોન્ઝ (કુલ ૩૧ મેડલ) સાથે ત્રીજા સ્થાને રહ્યું.
અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન: સ્પર્ધાના આખરી દિવસે પણ ભારતીય સ્કેટર્સે ઉત્કૃષ્ટ રમત બતાવી હતી:
-
જ્યુનિયર C બોયઝ (૭૭૭ મીટર): ભારતના સિદ્ધાંત માંજરેએ ૧ મિનિટ ૧૩.૫૦ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે હોંગકોંગના કાર્લ મેને સિલ્વર અને ઉઝબેકિસ્તાનના મખમુદોવ અલીશેરે બ્રોન્ઝ મેળવ્યો હતો.
-
જ્યુનિયર B બોયઝ (૧૦૦૦ મીટર): થાઈલેન્ડના કોસ્ટિવાનિચ ઔન્નીપિતે ગોલ્ડ જીત્યો હતો, જ્યારે ભારત તરફથી આરવ અનિરુદ્ધ પટવર્ધને (૧ મિનિટ ૨૯.૬૮ સેકન્ડ) સિલ્વર અને અદ્વૈત કોઠારીએ (૧ મિનિટ ૨૯.૭૮ સેકન્ડ) બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
-
જ્યુનિયર A બોયઝ (૧૦૦૦ મીટર): દક્ષિણ કોરિયાના હ્વાંગ સેઓજિને ગોલ્ડ મેળવ્યો હતો, જ્યારે ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ ૧ મિનિટ ૩૩.૯૩ સેકન્ડ સાથે સિલ્વર અને ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે બ્રોન્ઝ જીત્યો હતો.
-
જ્યુનિયર A બોયઝ (૫૦૦ મીટર): ભારતના પ્રણવ માધવ સુરપાનેનીએ ૪૪.૧૩ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઈન્ડોનેશિયાના કાયશાન અજરી પુત્રા ફિરદૌસે ગોલ્ડ અને થાઈલેન્ડના કૃત્સનાપોન ફૌત્રાકુલે સિલ્વર મેળવ્યો હતો.
રિલે સ્પર્ધામાં બે બ્રોન્ઝ: અંતિમ દિવસે યોજાયેલી રિલે ઈવેન્ટ્સમાં પણ ભારતનો દબદબો રહ્યો હતો. મહિલાઓની ૩૦૦૦ મીટર રિલેમાં થાઈલેન્ડે ગોલ્ડ, ચાઈનીઝ તાઈપેઈએ સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે પુરુષોની ૩૦૦૦ મીટર રિલેમાં હોંગકોંગે ગોલ્ડ, થાઈલેન્ડે સિલ્વર અને ભારતે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
વિશ્વકપ અને ઓલિમ્પિક્સ માટે નવી આશા: ભારત ગોલ્ડ મેડલની સંખ્યામાં થાઈલેન્ડથી પાછળ રહીને બીજા ક્રમે રહ્યું હોવા છતાં, ૪૪ મેડલ સાથે કુલ મેડલની રેસમાં તેનો દબદબો રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાંથી મળેલા અનુભવ અને ક્વોલિફિકેશનના આધારે હવે ભારતીય ખેલાડીઓની નજર આગામી વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ પર મંડાયેલી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ