સરકારી વહીવટમાં ઉત્કૃષ્ટતા અને કાર્યક્ષમતાને વેગ આપવાના ઉદ્દેશ્યથી વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ માટે દર વર્ષે 'અટલ સુશાસન પુરસ્કાર' આપવાની એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ પ્રોત્સાહક નિર્ણય હેઠળ વર્ગ-૧ના ઉત્કૃષ્ટ અધિકારીઓને રૂ. ૩૧,૦૦૦ અને વર્ગ-૨ના અધિકારીઓને રૂ. ૨૧,૦૦૦નું રોકડ ઇનામ તથા પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ માટેની પસંદગી પ્રક્રિયા અત્યંત પારદર્શક રાખવામાં આવી છે, જેમાં સામાન્ય કામગીરીને બદલે સંબંધિત વિભાગો દ્વારા અગાઉથી નક્કી કરાયેલા ખાસ મૂલ્યાંકન માપદંડોના આધારે જ શ્રેષ્ઠ અધિકારીઓની પસંદગી થશે.
આ યોજનાના સુચારુ અમલીકરણ માટે સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના ઠરાવ અનુસાર અલગ-અલગ મૂલ્યાંકન સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રાથમિક તબક્કે વહીવટી તંત્રના મુખ્ય ૭ મહત્વના વિભાગોને આ પુરસ્કાર યોજનામાં સાંકળી લેવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ, માર્ગ અને મકાન, અન્ન અને નાગરિક પુરવઠો, રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક બાબતો, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તેમજ મહેસૂલ વિભાગનો સમાવેશ થાય છે.
ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા અધિકારીઓનું યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે વિશેષ સમિતિઓની જોગવાઈ કરાઈ છે. મામલતદાર કક્ષાના અધિકારીઓની કામગીરી ચકાસવા માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને નિવાસી નાયબ કલેક્ટરની ઉચ્ચસ્તરીય સમિતિ બનશે. આ જ રીતે પંચાયત વિભાગની કામગીરીનું મૂલ્યાંકન અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ (પંચાયત) અને પંચાયત અધ્યક્ષની ટીમ કરશે, જ્યારે મહેસૂલ વિભાગ માટે પણ સમાન કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને મહેસૂલ અધ્યક્ષની સમિતિ જવાબદારી સંભાળશે. સમગ્ર પસંદગી પ્રક્રિયા સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તમામ સંબંધિત વિભાગોને દર વર્ષે ૩૦ નવેમ્બર સુધીમાં મૂલ્યાંકનની કામગીરી આટોપી લેવાના સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ