દેશમાં જન્મ અને મૃત્યુની નોંધણી વ્યવસ્થાને વધુ પારદર્શક, વિશ્વસનીય અને છેતરપિંડીમુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે 'Registration of Births and Deaths (Amendment) Bill, 2026' સંસદમાં રજૂ કર્યો હતો. આ વિધેયકને લોકસભા અને રાજ્યસભા – બંને ગૃહોમાં મંજૂરી મળી ગઈ છે. હવે બિલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ નવા સુધારાનો મુખ્ય હેતુ મોડી નોંધણીના કિસ્સાઓમાં ખોટા દસ્તાવેજો અને બનાવટી જન્મ-મૃત્યુ પ્રમાણપત્રો પર નિયંત્રણ લાવવાનો છે. આ સુધારાથી વિલંબિત નોંધણી માટે વધુ કડક ચકાસણી અને સક્ષમ અધિકારીના આદેશની જોગવાઈ કરવામાં આવી છે.
21 દિવસની અંદરની નોંધણીમાં કોઈ ફેરફાર નહીં
જન્મ અથવા મૃત્યુ થયાના 21 દિવસની અંદર નોંધણી કરાવવાની હાલની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમયમર્યાદામાં નોંધણી અગાઉની જેમ જ સામાન્ય રીતે થઈ શકશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ સુધારો મુખ્યત્વે લાંબા સમય સુધી નોંધણી ન કરાવવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
1 વર્ષથી વધુ અને 2 વર્ષની અંદરના વિલંબ માટે નવા નિયમ
નવા સુધારા મુજબ જો જન્મ અથવા મૃત્યુની માહિતી એક વર્ષથી વધુ પરંતુ બે વર્ષની અંદર રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવે, તો તેની નોંધણી હવે સીધી થઈ શકશે નહીં.
આવા કિસ્સાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આદેશ બાદ જ નોંધણી થઈ શકશે. નોંધણી પહેલાં રજૂ કરાયેલી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવશે.
2 વર્ષથી વધુ વિલંબે JMFCના આદેશ બાદ જ નોંધણી
વિધેયકની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ જો જન્મ અથવા મૃત્યુની માહિતી 2 વર્ષથી વધુ સમય બાદ આપવામાં આવે, તો તેની નોંધણી હવે માત્ર Judicial Magistrate First Class (JMFC)ના આદેશ બાદ જ થઈ શકશે.
JMFC જરૂરી દસ્તાવેજો અને ઉપલબ્ધ પુરાવાની ચકાસણી કર્યા બાદ જ નોંધણી માટે આદેશ આપી શકશે. સરકારનું માનવું છે કે આ વ્યવસ્થાથી ખોટી રીતે મોડી નોંધણી કરાવીને બનાવટી પ્રમાણપત્ર મેળવવાના પ્રયાસો પર નિયંત્રણ આવશે.
નવા સુધારાનો હેતુ શું છે?
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ આ સુધારો જન્મ અને મૃત્યુના રેકોર્ડને વધુ સચોટ અને વિશ્વસનીય બનાવશે. તેનાથી સરકારી ડેટાબેઝ વધુ મજબૂત બનશે તેમજ વસ્તી આયોજન, જાહેર આરોગ્ય, કલ્યાણકારી યોજનાઓ અને અન્ય વહીવટી કામગીરીમાં વધુ ચોકસાઈ આવશે.
સાથે જ, ખોટા જન્મ અથવા મૃત્યુ પ્રમાણપત્રોના આધારે મિલકત, સરકારી લાભો અથવા અન્ય કાનૂની હકો મેળવવાના ગેરકાયદેસર પ્રયાસો પર પણ નિયંત્રણ લાવવામાં મદદ મળશે.
સામાન્ય નાગરિકોએ શું ધ્યાન રાખવું?
જન્મ અથવા મૃત્યુની ઘટના બને ત્યારે શક્ય તેટલી વહેલી તકે નોંધણી કરાવવી હિતાવહ છે. સમયસર નોંધણી કરાવવાથી ભવિષ્યમાં વધારાની મંજૂરી, દસ્તાવેજોની વિશેષ ચકાસણી અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ જવાની જરૂરિયાત ઉભી થતી નથી.
નવા નિયમો એક નજરે
- 21 દિવસની અંદર: સામાન્ય નોંધણીની પ્રક્રિયા યથાવત્.
- 1 વર્ષથી વધુ અને 2 વર્ષની અંદર વિલંબ: DM, SDM અથવા DM દ્વારા અધિકૃત Executive Magistrateના આદેશ બાદ નોંધણી.
- 2 વર્ષથી વધુ વિલંબ: માત્ર Judicial Magistrate First Class (JMFC)ના આદેશ બાદ જ નોંધણી.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ