ગુજરાત સરકારે અનુદાનિત (ગ્રાન્ટેડ) પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ શિક્ષકોને પણ સરકારી કર્મચારીઓ તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની જેમ મેડિકલ રિઈમ્બર્સમેન્ટની સુવિધા મળશે. શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરી રાજ્યભરમાં તેનો તાત્કાલિક અમલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 હેઠળ મળશે લાભ
અત્યાર સુધી મેડિકલ રિઈમ્બર્સમેન્ટની સુવિધા સરકારી કર્મચારીઓ અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને ઉપલબ્ધ હતી, જ્યારે અનુદાનિત પ્રાથમિક શાળાઓના શિક્ષકો આ યોજનાથી બહાર હતા. લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતો અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મોકલાયેલી દરખાસ્તને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ લાભનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને નાણાં વિભાગની મંજૂરી પણ મળી ગઈ છે.
હવે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાત્ર શિક્ષકોને 'ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015' મુજબ તબીબી સારવાર માટે થયેલા ખર્ચની ભરપાઈ નિયમો અનુસાર મળી શકશે.
તાત્કાલિક અમલના આદેશ
શિક્ષણ વિભાગે 3 ઓગસ્ટ, 2026ના રોજ આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને તમામ સંબંધિત કચેરીઓને આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવા સૂચના આપી છે.
હજારો શિક્ષકોને મળશે આર્થિક રાહત
સરકારના આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સેવા આપતા હજારો શિક્ષકોને સીધો લાભ મળશે. ગંભીર બીમારી અથવા અન્ય તબીબી સારવાર દરમિયાન થતા ખર્ચનો આર્થિક બોજ ઘટશે, જેના કારણે શિક્ષકોને વધુ સુરક્ષા અને રાહત મળશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ