ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદનું જોર ઘટતાં બફારો અને ઉકળાટમાં વધારો નોંધાયો હતો. જોકે હવામાન વિભાગે હવે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય એક સક્રિય સિસ્ટમ મળી કુલ ત્રણ હવામાન તંત્ર સક્રિય બનતાં 8 અને 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 7 ઓગસ્ટે સમગ્ર દક્ષિણ ગુજરાત ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. ચાલુ મોસમ દરમિયાન રાજ્યમાં અત્યાર સુધી 480.9 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 416 મીમી કરતાં 16 ટકા વધુ છે. સક્રિય હવામાન તંત્રોના કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વ્યાપક વરસાદી સ્થિતિ સર્જાવાની સંભાવના છે.

Noble
જાહેરાત

7 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 25.08 ઇંચ એટલે કે 70.10 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 58.81 ઇંચ (96.87 ટકા) વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 21.62 ઇંચ (67.05 ટકા), સૌરાષ્ટ્રમાં 16.38 ઇંચ (54.58 ટકા), ઉત્તર ગુજરાતમાં 14.78 ઇંચ (51.39 ટકા) અને કચ્છમાં 5.72 ઇંચ (29.05 ટકા) વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં થયેલા વ્યાપક વરસાદના કારણે જળાશયો અને ડેમોમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે. નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલમાં 81.01 ટકા એટલે કે અંદાજે 2,70,622 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે અને તેમાં 33,400 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના 63.83 ટકા એટલે કે 3,56,096 એમસીએફટી જેટલું પાણી સંગ્રહિત થયું છે.

હાલની સ્થિતિ મુજબ રાજ્યના 26 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થઈ રહ્યા છે. વધતી પાણીની આવકને કારણે 37 ડેમને ‘હાઈ એલર્ટ’, 7 ડેમને ‘એલર્ટ’ અને 11 ડેમને ‘વોર્નિંગ’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તો જળાશયોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે.