દેશના અનેક રાજ્યોમાં આકાશી આફત તરીકે વરસતા મુશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. હિમાચલ પ્રદેશના ચંબામાં સોમવારે મોડી રાત્રે થયેલા ધોધમાર વરસાદ બાદ સરોલ મોહલ્લા સહિતના વિસ્તારોમાં અચાનક ફ્લેશ ફ્લડ (પૂર) ની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા હતા. સ્થિતિ એટલી વિકટ બની હતી કે કેટલાય મકાનોના પહેલા માળ સુધી કાટમાળ ભરાઈ ગયો હતો અને 10થી વધુ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન: કેદારનાથ યાત્રા રોકી દેવાઈ
બીજી તરફ ઉત્તરાખંડમાં પણ મંગળવારે સવારે ચમોલી, ટિહરી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગમાં ભારે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
- હાઇવે બંધ: રુદ્રપ્રયાગના કુંડ-કાકડા વચ્ચેનો કેદારનાથ નેશનલ હાઈવે કાટમાળ ધસી આવવાના કારણે બંધ થઈ ગયો છે.
- યાત્રા સ્થગિત: સોનપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પણ બ્લોક થઈ જતાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી કેદારનાથ યાત્રા અટકાવી દેવામાં આવી છે.
બંગાળની ખાડીમાં 'ડીપ ડિપ્રેશન': 1500 KM સુધી વાદળોનો જમાવડો
સેટેલાઇટથી મળેલી નવી તસવીરો મુજબ, પશ્ચિમ બંગાળથી લઈને ઉત્તરાખંડ સુધીના 1500 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ઘનઘોર વાદળો છવાયેલા છે.
- શું છે કારણ? હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી ઉપર સર્જાયેલું મજબૂત ડીપ ડિપ્રેશન આ ભારે વરસાદનું મુખ્ય કારણ છે.
- ડીપ ડિપ્રેશન એટલે શું? આ સમુદ્ર પર બનતી ઓછા દબાણવાળી એવી મજબૂત હવામાન પ્રણાલી છે, જેમાં પવનની ગતિ સામાન્ય ડિપ્રેશન કરતાં ખૂબ ઝડપી હોય છે, જે અતિભારે વરસાદ લાવે છે.
આગામી 1 અઠવાડિયું આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફની સક્રિય અસરને કારણે આગામી આખા અઠવાડિયા દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેરથી લઈને મેઘપ્રકોપ જોવા મળી શકે છે.
આ રાજ્યોમાં એલર્ટ:
દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ