ગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપતા 6 ઓગસ્ટ, 2026થી રાજ્યભરમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂક્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ એનાલોગ પનીર અસલી દૂધમાંથી તૈયાર થતું નથી, પરંતુ પામ ઓઈલ, અન્ય વનસ્પતિ ચરબી, સ્ટાર્ચ અને વિવિધ રસાયણોના મિશ્રણથી બનાવવામાં આવે છે. દેખાવ અને સ્વાદમાં તે અસલી પનીર જેવું લાગતું હોવાથી સામાન્ય ગ્રાહક માટે તેને ઓળખવું મુશ્કેલ બને છે.
બજારમાં અસલી ડેરી ઉત્પાદનોના નામે આવા નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો વેચાતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું છે. બહાર જમવાનું પસંદ કરતા લોકો માટે આ માહિતી ખાસ મહત્વની બની રહી છે.
એનાલોગ પનીર અસલી પનીર જેવી જ રચના અને દેખાવ ધરાવતું કૃત્રિમ ઉત્પાદન છે. દૂધમાંથી કુદરતી ચરબી દૂર કર્યા પછી અથવા દૂધ વગર જ પામ ઓઈલ, વેજિટેબલ ફેટ અને સ્ટાર્ચ ભેળવીને તેને તૈયાર કરવામાં આવે છે. સફેદ અને નરમ દેખાતું હોવાથી મોટાભાગના લોકો તેને સરળતાથી અસલી પનીર માની લે છે. તેની કિંમત ઓછી પડતી હોવાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સેવાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી રહી છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા નકલી પનીરમાં રહેલી વનસ્પતિ ચરબી લાંબા ગાળે હૃદય અને રક્તવાહિનીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)નું પ્રમાણ વધારી શકે છે, જેના કારણે હૃદયરોગનું જોખમ વધી જાય છે. ઉપરાંત બ્લડપ્રેશર સહિત શરીરના અન્ય મહત્વના અંગો પર પણ તેની નકારાત્મક અસર થઈ શકે છે.
ઘરે જ પનીર અસલી છે કે નકલી તે તપાસવા માટે કેટલીક સરળ રીતો:
આયોડિન ટેસ્ટ માટે પનીરના ટુકડાને પાણીમાં ઉકાળી ઠંડુ કર્યા બાદ તેના પર આયોડિન ટિંકચરના થોડા ટીપાં નાખવા. જો રંગ વાદળી અથવા કાળો થઈ જાય તો તેમાં સ્ટાર્ચ હોવાની સંભાવના છે, જ્યારે રંગ ન બદલાય તો પનીર અસલી હોઈ શકે છે.
ટેક્સ્ચર ટેસ્ટમાં પનીરને હાથથી મસળીને જોવું. અસલી પનીર નરમ હોવા છતાં દબાવતાં તૂટી અને વિખેરાઈ જાય છે, જ્યારે એનાલોગ પનીર ચીકણું, રબર જેવું અને ઓછી સરળતાથી તૂટતું જણાય છે.
પ્રોટીન ટેસ્ટ માટે પનીરને પાણીમાં ઉકાળી તેમાં થોડો તુવેર દાળનો અથવા સોયાબીનનો પાવડર ઉમેરવો. થોડા સમય બાદ પાણીનો રંગ આછો લાલ થવા લાગે તો તેમાં ડિટર્જન્ટ અથવા યુરિયા જેવી ભેળસેળ હોવાની શક્યતા માનવામાં આવે છે.
સ્વાદ અને સુગંધ પણ મહત્વનો સંકેત આપે છે. અસલી પનીરમાં દૂધની હળવી અને મીઠી સુગંધ અનુભવાય છે, જ્યારે એનાલોગ પનીરમાં સામાન્ય રીતે ખાસ સુગંધ હોતી નથી અને ખાવામાં તે પ્લાસ્ટિક અથવા રબર જેવું લાગતું હોય છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ