ઇમરજન્સીના સમયે બ્લડ ડોનર શોધવામાં થતી હેરાનગતિ, યુવાનોમાં રોજગારીની અનિશ્ચિતતા અને ઉદ્યોગકારોને યોગ્ય માનવબળ ન મળવાની સમસ્યાઓ દૂર કરવા માટે રોટરી ક્લબ ઓફ ઇમેજીકા આગળ આવી છે. ટેક્નોલોજીના માધ્યમથી સમાજની આ ત્રણ મોટી સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ક્લબ દ્વારા બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રી-લૉન્ચિંગ બેઠક યોજવામાં આવી હતી. જેમાં 'રોટરી બ્લડ સેવા' અને 'રોટરી રોજગાર' પ્રોજેક્ટના ટેસ્ટિંગ તથા અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
1 કલાકમાં બ્લડ પૂરું પાડવાનું લક્ષ્ય
બ્લડ સેવાની આ નવી પહેલ હેઠળ એક વિશેષ મોબાઇલ નંબર જાહેર કરાશે. જરૂરિયાતમંદ વ્યક્તિ માત્ર એક મેસેજ કરશે, એટલે તુરંત જ સિસ્ટમ રજિસ્ટર્ડ બ્લડ ડોનર્સ સુધી મેસેજ પહોંચાડી દેશે અને ઓછામાં ઓછા સમયમાં ડોનરનો સંપર્ક કરાવી આપશે. આયોજકોના દાવા મુજબ, માત્ર 1 કલાકની અંદર દર્દી સુધી મદદ પહોંચાડવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે.
યુવાનોને ફ્રી AI ટ્રેનિંગ અને ડાયરેક્ટ રોજગાર
બીજી તરફ, 'રોટરી રોજગાર' પ્રોજેક્ટ હેઠળ યુવાનોને સંપૂર્ણપણે નિઃશુલ્ક AI આધારિત તાલીમ આપીને જોબ-રેડી બનાવવામાં આવશે. આ સિસ્ટમથી ઉદ્યોગકારોને પણ તેમની જરૂરિયાત મુજબના યોગ્ય ઉમેદવારો સરળતાથી મળી રહેશે, જેથી તેમનો ભરતી સમય, ટ્રેનિંગ ખર્ચ અને માનવશક્તિનો બગાડ અટકશે.
દોઢ વર્ષની મહેનત અને 40 સભ્યોની ટીમ સક્રિય
આ બે મોટા પ્રોજેક્ટ પાછળ રોટરી ક્લબ ઓફ ઇમેજીકાના 40 જેટલા સભ્યો અને જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કની ટીમ છેલ્લા દોઢ વર્ષથી સતત મહેનત કરી રહી છે.
ઓગસ્ટથી જામનગરમાં ટ્રાયલ રન શરૂ થશે
ઓગસ્ટ મહિનાથી આ બંને પ્રોજેક્ટનો પાયલોટ તબક્કો જામનગર શહેરથી શરૂ કરવામાં આવશે. જામનગરમાં સફળતા મળ્યા બાદ આ મોડેલને સમગ્ર ગુજરાત અને ત્યારબાદ દેશભરમાં વિસ્તારવાની યોજના ઘડી કાઢવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ