જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં તા. 7 ઓક્ટોબરના રોજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વર્તમાન પ્રશ્નો અને વિવિધ વિભાગોની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા

બેઠક દરમિયાન પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, પીજીવીસીએલ અને વન વિભાગ સહિતના વિભાગો દ્વારા તેમની કામગીરી, વિવિધ યોજનાઓની પ્રગતિ, વરસાદની સ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રેઝન્ટેશન મારફતે પ્રભારી મંત્રીને માહિતી આપવામાં આવી હતી.

આ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોને લગતા પ્રશ્નો અને પ્રજાલક્ષી રજૂઆતો ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રજૂઆતોને ધ્યાનમાં લઈ પ્રભારી મંત્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.

પીવાના પાણીના વિતરણ પર વિશેષ ધ્યાન

બેઠકમાં હાલમાં પીવાના પાણીની વ્યવસ્થા અને તેના યોગ્ય વિતરણ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં પાણીની જરૂરિયાત હોય ત્યાં તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત સિંચાઈ માટે જરૂરી પાણીની ઉપલબ્ધતા અને તેના યોગ્ય આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના ખેડૂતોને વીજળી પુરવઠો સમયસર અને સુચારુ રીતે મળી રહે તે માટે પીજીવીસીએલ સહિતના સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

ઘાસ વિતરણની વ્યવસ્થા સુદૃઢ બનાવવા સૂચના

જામનગર જિલ્લામાં ઘાસ વિતરણની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અંગે પણ પ્રભારી મંત્રી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. નાગરિકો અને ખેડૂતોને આવશ્યક સેવાઓમાં મુશ્કેલી ન પડે તે માટે વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવીને પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કલેક્ટરે પણ અધિકારીઓને સૂચના આપી

બેઠક બાદ કલેક્ટર પી.બી. પંડ્યાએ પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાને લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને તે દિશામાં જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડા, કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.