જામનગર જિલ્લામાં રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન 9મો ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ઉજવવામાં આવશે. પોષણ અંગે જનજાગૃતિ વધારવા તેમજ જિલ્લામાં પોષણના સ્તરમાં સુધારો લાવવાના હેતુથી ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ થીમ સાથે સમગ્ર મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

આ અભિયાનના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી નિશાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 9મા રાષ્ટ્રીય પોષણ માહનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમણે સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન જાળવીને નક્કી કરાયેલી પ્રવૃત્તિઓને સક્રિય રીતે અમલમાં મૂકવા સૂચના આપી હતી.

રાષ્ટ્રીય પોષણ માહ દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને લાભાર્થીઓના પોષણને ધ્યાનમાં રાખીને આહારમાં વિવિધતા તથા પૂરતા પ્રમાણમાં પ્રોટીનના સમાવેશ પર ખાસ ભાર મૂકવામાં આવશે. સાથે જ સમુદાયમાં આંગણવાડી પ્રત્યે માલિકી અને જવાબદારીની ભાવના વિકસે તે માટે પણ પ્રયાસ કરવામાં આવશે.

બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ સાથે પ્રારંભિક ઉત્તેજન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉપરાંત, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ માતાઓના સ્વાસ્થ્યને લગતી રોકડ સહાયનો લાભ મળી રહે તે માટે જરૂરી કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે.

અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વાસ્થ્ય મેળાઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સ્વસ્થ અને વિવિધ પ્રકારની રેસિપીનું પ્રદર્શન, આંગણવાડી કેન્દ્રોમાં સાપ્તાહિક મેનુ રોટેશન, ગરમ રાંધેલા ભોજનનું પ્રદર્શન તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 100 ટકા નોંધણી માટે વિશેષ અભિયાન હાથ ધરાશે.

બેઠકના સમાપન સમયે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ‘પોષણ શપથ’ લઈને પોષણ સંબંધિત જાગૃતિ અને કામગીરીને વધુ અસરકારક બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

આ બેઠકમાં પ્રોગ્રામ ઓફિસર ડો. નૂપુર પ્રસાદ, સીડીપીઓ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, સમાજ કલ્યાણ અધિકારી, મુખ્ય સેવિકાઓ તેમજ સંબંધિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.