જામનગર શહેર અને જિલ્લામાં આગામી નવરાત્રિના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ અંતર્ગત જામનગરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતનાં જાહેર સ્થળોએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચેકિંગની શરૂઆત જામનગર રેલવે સ્ટેશનથી કરવામાં આવી હતી. આ કામગીરીમાં SOGના કર્મચારીઓ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયાં હતાં. રેલવે સ્ટેશનના પરિસર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં આવતા-જતા મુસાફરો અને મુસાફરોને લેવા કે મૂકવા માટે આવતા લોકોનાં વાહનોની તપાસ કરવામાં આવી હતી.

પોલીસની ટીમોએ રેલવે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મ પર બેઠેલા મુસાફરો અને યાત્રિકોના સામાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. કોઈ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ ધ્યાનમાં આવે છે કે કેમ તે જાણવા માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરી હતી. આ સાથે નશીલા પદાર્થો સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓની હેરફેર થતી નથી ને તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

નવરાત્રિ દરમિયાન ગરબી, રાસ-ગરબા અને અન્ય જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આગોતરાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. રેલવે સ્ટેશન ઉપરાંત બસ સ્ટેશન અને અન્ય સંવેદનશીલ તથા ભીડભાડવાળા વિસ્તારોમાં પણ પોલીસ ટીમોએ ચેકિંગ કર્યું હતું.

તહેવારના દિવસોમાં શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ અસામાજિક તત્ત્વો દ્વારા કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન કરવામાં આવે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.