યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર ચાર્જ વસૂલવામાં આવશે તેવી ચર્ચાઓ વચ્ચે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)એ મહત્વની સ્પષ્ટતા કરી છે. PCIએ જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે UPI દ્વારા ચુકવણી પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. હાલની ચર્ચાનો મુખ્ય મુદ્દો ઝડપથી વિસ્તરી રહેલી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને લાંબા ગાળે વધુ મજબૂત અને ટકાઉ કેવી રીતે બનાવવી તે છે.
PCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે 2016માં UPI શરૂ થયા બાદથી સરકાર અને પેમેન્ટ ઇકોસિસ્ટમે ગ્રાહકો પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લીધો નથી અને ભવિષ્યમાં પણ ગ્રાહકો કોઈ વધારાના ચાર્જ વગર UPIનો ઉપયોગ કરી શકશે. નાના દુકાનદારો અને કરિયાણા વેપારીઓ પાસેથી UPI પેમેન્ટ સ્વીકારવા બદલ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) પણ લેવામાં આવશે નહીં. UPIનો મુખ્ય હેતુ નાના કારોબારીઓ સુધી ડિજિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવાનો હોવાથી તેમની સુવિધા પ્રાથમિકતા રહેશે.
UPI આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમોમાંની એક બની ગઈ છે. દર મહિને અબજો ટ્રાન્ઝેક્શન થતા હોવાથી સિસ્ટમને સુરક્ષિત, મજબૂત અને ટકાઉ રાખવા માટે જરૂરી ટેકનોલોજી અને માળખાકીય રોકાણ અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, PCIએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયાનો કોઈ વધારાનો બોજ સામાન્ય ગ્રાહકો કે નાના વેપારીઓ પર મૂકવામાં આવશે નહીં.
PCIના જણાવ્યા મુજબ, નેશનલ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવા માટે ટેકનોલોજી, સાઇબર સુરક્ષા, ગ્રાહક સહાયતા અને નિયમોના પાલન પાછળ સતત ખર્ચ થાય છે. હાલમાં આ ખર્ચ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ઉઠાવી રહ્યા છે.
PCIએ વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં જો મોટા વેપારીઓ માટે મર્ચન્ટ સર્વિસ ચાર્જ લાગુ કરવામાં આવે તો પણ તેનો અર્થ એવો નથી કે ગ્રાહકોને UPI ઉપયોગ બદલ ચાર્જ ચૂકવવો પડશે. તે માત્ર વેપારી અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વચ્ચેનો વ્યાવસાયિક કરાર હશે. વિશ્વના ઘણા દેશોમાં આવી વ્યવસ્થા પહેલેથી અમલમાં છે, જ્યારે ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટ સેવાઓ સામાન્ય રીતે વિનામૂલ્યે ઉપલબ્ધ રહે છે.
છેલ્લા દાયકાથી બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ, ફિનટેક કંપનીઓ, NPCI અને RBI ટેકનોલોજી, સાઇબર સુરક્ષા અને ફ્રોડ રોકથામ માટે સતત રોકાણ કરી રહ્યા છે. તેના કારણે UPI 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ સુરક્ષિત રીતે કાર્યરત છે. વધતા ટ્રાન્ઝેક્શન સાથે સુરક્ષા અને નવીનતા જાળવી રાખવા માટે સતત રોકાણ જરૂરી હોવાનું PCIએ જણાવ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ