બેંક, LIC અને EPFOમાં વર્ષોથી પડાતર રહેલી અનક્લેમ્ડ રકમ અંગે સરકારે મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના લાખો ખાતાધારકોએ પોતાના જ પૈસા પાછા મેળવવા માટે ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવાની કે ધક્કા ખાવાની જરૂર નહીં રહે. EPFO ની નિષ્ક્રિય (In-active) પડેલી રકમ હવે સીધી કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાશે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે આ પ્રક્રિયા ઝડપી બનાવી છે અને પ્રથમ તબક્કા માટે 1.18 લાખ ઇન-એક્ટિવ ખાતાઓની વેરિફિકેશન પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે.

નો ક્લેમ, નો ફોર્મ: આધાર-લિંક્ડ એકાઉન્ટમાં સીધા જમા થશે નાણાં

અત્યાર સુધી જૂના કે બંધ પડેલા PF એકાઉન્ટમાંથી રકમ ઉપાડવા માટે કર્મચારીએ પોતે એપ્લિકેશન કે ક્લેમ કરવો પડતો હતો. પરંતુ નવી 'ઓટોમેટિક રિફંડ સિસ્ટમ' હેઠળ હવે કોઈ ફોર્મ ભરવું નહીં પડે. EPFO પોતે જ આધાર સાથે લિંક થયેલા બેંક ખાતા શોધીને વ્યાજ સાથે પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરશે.

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 23 ફેબ્રુઆરી 2026ના રોજ આ મહત્વકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

  • પહેલો તબક્કો: ₹1,000 કે તેથી ઓછી રકમ ધરાવતા નિષ્ક્રિય ખાતાઓને આવરી લેવાયા છે.
  • હાલનો આંકડો: આવા 7.11 લાખ ખાતાઓની ઓળખ થઈ છે, જેમાં ₹30.52 કરોડથી વધુની રકમ જમા છે.

ઓગસ્ટ અંત સુધીમાં શરૂ થઈ શકે છે પૈસા મળવાની પ્રક્રિયા

સિસ્ટમને ફુલપ્રૂફ અને સુરક્ષિત બનાવવા માટે EPFOએ ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આધાર-લિંક્ડ ખાતાઓને વેરિફાઈ કરવા માટે એકાઉન્ટમાં ₹1 જમા કરીને ખાતરી કરવામાં આવી છે.

હાલમાં C-DAC દ્વારા EPFOના IT પ્લેટફોર્મને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં 'સિસ્ટમ-જનરેટેડ ક્લેમ' ફીચર ઉમેરાશે. આ આઈટી અપગ્રેડેશન ઓગસ્ટના અંત સુધીમાં પૂરું થવાની ધારણા છે, જે બાદ સીધા ખાતામાં પૈસા જમા થવાનું શરૂ થઈ જશે.

₹10,903 કરોડની જંગી રકમ દાવો કર્યા વગર પડી છે

જો ₹1,000 સુધીની રકમનો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે, તો સરકાર તેને વધુ મોટા પાયે લાગુ કરશે. ત્યારબાદ ₹1,000થી વધુ રકમ ધરાવતા અન્ય 24.76 લાખ ઇન-એક્ટિવ ખાતાઓના પૈસા પણ ઓટો-રિફંડ કરાશે.