નિવૃત્તિ બાદ મળેલા ભંડોળનું જો યોગ્ય અને સલામત જગ્યાએ રોકાણ કરવામાં આવે, તો તે જીવનભર નિયમિત અને ચોક્કસ આવકનો મોટો આધાર બની શકે છે. શેરબજારના જોખમોથી દૂર રહીને ૧૦૦% સુરક્ષિત અને ગેરંટીડ વળતર મેળવવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 'સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ' (SCSS) એક ઉત્કૃષ્ટ અને સુવિધાજનક આર્થિક વિકલ્પ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ રોકાણકારોને વાર્ષિક આશરે રૂ. ૨.૫ લાખ સુધીનું વ્યાજ મળી શકે છે, જે માસિક ધોરણે ગણતરી કરીએ તો અંદાજે રૂ. ૨૦,૫૦૦ જેટલું થવા જાય છે.
આ સરકારી સ્કીમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વાર્ષિક ૮.૨ ટકાનું ઉંચું અને નિશ્ચિત વળતર આપવામાં આવે છે. આ યોજનાનો પ્રારંભિક મુદતગાળો ૫ વર્ષનો હોય છે, જેમાં વ્યાજની રકમ માટે લાંબી રાહ જોવી પડતી નથી પરંતુ દર ત્રણ મહિને વ્યાજની રકમ સીધી રોકાણકારના સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. રોકાણકારો ચાહે તો આ ત્રિમાસિક વ્યાજની રકમને અન્ય સુરક્ષિત યોજનાઓમાં પુનઃ રોકાણ કરીને વધારાની આવક પણ ઊભી કરી શકે છે.
દર મહિને રૂ. ૨૦,૫૦૦ની નિયમિત આવક મેળવવા માટે રોકાણકારે આ યોજનામાં મહત્તમ રૂ. ૩૦ લાખનું એકસાથે રોકાણ કરવાનું રહે છે. રૂ. ૩૦ લાખના રોકાણ પર ૮.૨% ના દરથી દર ત્રણ મહિને રૂ. ૬૧,૪૯૯ વ્યાજ પેટે ખાતામાં જમા થાય છે, જે દર મહિને હિસાબ કરતા રૂ. ૨૦,૫૦૦ સમાન બને છે. ૫ વર્ષની મુદત પૂરી થતાં રોકાણકારને વ્યાજ પેટે કુલ રૂ. ૧૨,૩૦,૦૦૦ ની કમાણી થાય છે અને સમયસીમા પૂર્ણ થતાં મૂળ રૂ. ૩૦ લાખની મુદ્દલ રકમ પણ સુરક્ષિત રીતે પાછી મળી જાય છે.
આ યોજનામાં રોકાણ માટે ચોક્કસ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સામાન્ય વરિષ્ઠ નાગરિકો માટે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જરૂરી છે. જોકે, સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારા કર્મચારીઓ ૫૫ થી ૬૦ વર્ષની વયે અને નિવૃત્ત સંરક્ષણ જવાનો ૫૦ થી ૬૦ વર્ષની ઉંમરે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સ્કીમમાં ન્યૂનતમ રૂ. ૧,૦૦૦ થી લઈને મહત્તમ રૂ. ૩૦ લાખ સુધીનું એકસાથે રોકાણ કરી શકાય છે. પાકતી મુદત બાદ રોકાણકાર ઇચ્છે તો આ ખાતાને વધુ ૩ વર્ષ માટે લંબાવી પણ શકે છે.
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ હેઠળનું ખાતું કોઈપણ અધિકૃત સરકારી અથવા ખાનગી કોમર્શિયલ બેંક અને નજીકની પોસ્ટ ઓફિસમાં સરળતાથી ખોલાવી શકાય છે. ખાતું ખોલાવતી વખતે ઓળખકાર્ડ, પાન કાર્ડ, ઉંમરનો પુરાવો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને વ્યાજની રકમ જમા મેળવવા માટે સક્રિય બચત ખાતાની વિગતો રજૂ કરવાની રહે છે. આ યોજના નિવૃત્ત નાગરિકોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ