જામનગર શહેરના પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવાની કામગીરીને વધુ ગતિ આપવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે આજી-3 ડેમમાંથી ઉંડ-1 ડેમમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે આગામી તબક્કામાં આ પાણી સસોઈ ડેમ સુધી પહોંચાડવામાં આવશે.
મહાનગરપાલિકાએ શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પાસે 550 એમસીએફટી પાણીની માંગણી કરી હતી. મંજૂરી મળ્યા બાદ પ્રથમ તબક્કામાં મચ્છુ-2 ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, અને હવે તે જ પાણી ઉંડ-1 ડેમ તરફ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
શહેરને દરરોજ 150 એમએલડી પાણીની જરૂર
હાલમાં જામનગર શહેરમાં દરરોજ અંદાજે 150 એમએલડી (મિલિયન લિટર પ્રતિ દિવસ) પાણીની જરૂરિયાત રહે છે. મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતાં શહેર અને જિલ્લામાં આવેલા મુખ્ય જળાશયોમાં પૂરતી આવક થઈ નથી. જેના કારણે શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર, ઉંડ-1 અને સસોઈ ડેમમાં ઉપલબ્ધ જથ્થાને ધ્યાનમાં રાખીને સૌની યોજના મારફતે વધારાના પાણીની માંગ કરવામાં આવી હતી.
તબક્કાવાર સસોઈ ડેમ સુધી પહોંચશે પાણી
મહાનગરપાલિકાના આયોજન મુજબ હવે આજી-3 ડેમમાંથી ઉંડ-1 ડેમમાં પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ આગામી દિવસોમાં ઉંડ-1 ડેમમાંથી અંદાજે 150 એમસીએફટી પાણી સસોઈ ડેમ સુધી પહોંચાડવામાં આવશે.
માગવામાં આવેલા કુલ 550 એમસીએફટી પાણીને તબક્કાવાર શહેર સાથે જોડાયેલા વિવિધ જળાશયોમાં પહોંચાડવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે.
પાણી પુરવઠામાં વિક્ષેપ નહીં આવે: મનપાનો દાવો
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર હાલમાં રણજીતસાગર ડેમમાંથી આશરે 40 એમએલડી પાણી તેમજ સસોઈ, ઉંડ-1 અને આજી ડેમમાંથી જરૂરી જથ્થો મેળવી શહેરને કુલ અંદાજે 150 એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત જરૂરિયાત મુજબ નર્મદા કેનાલમાંથી પણ પાણી મેળવવામાં આવી રહ્યું છે, જેથી શહેરના પાણી પુરવઠામાં કોઈ વિક્ષેપ સર્જાય નહીં. મનપાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ માટે શહેરમાં એકાંતરા પાણી વિતરણની વ્યવસ્થા યથાવત રહેશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ