કોરોના કાળ બાદ જે નાની રકમના SIP ખાતાઓના જોરે રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાયા હતા, તેમની સંખ્યામાં હવે ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧,૦૦૦ કે તેથી ઓછા માસિક હપ્તાવાળા SIP ખાતાઓમાં ૧૪ લાખનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે તેની સામે મોટી રકમના SIP ખાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા બે વર્ષમાં જે શ્રેણી ૩૭% અને ૧૬%ના દરે વધી રહી હતી, તેમાં આવેલો આ ઘટાડો બજાર માટે ચિંતાજનક સંકેત માનવામાં આવે છે.
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાની રકમના SIP ખાતા ઘટવાનું મુખ્ય કારણ શેરબજારમાં આવેલી અસ્થિરતા અને રોકાણકારોનું ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સથી દૂર થવું છે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪માં સરેરાશથી વધુ વળતરની લાલચમાં અનેક નવા રોકાણકારોએ ડાયરેક્ટ એપ્સ દ્વારા રોકાણ શરૂ કર્યું હતું. જોકે, બજારમાં ઉતાર-ચઢાવ આવતા જ યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમણે રોકાણ રોકી દીધું કે પાછું ખેંચી લીધું. ઓછી આવક ધરાવતા વર્ગમાં નાણાકીય સમજણ ઓછી હોવાથી અને ડિસ્ટ્રિબ્યુટર્સ પણ ઓછી રકમના કારણે આ વર્ગ પર ખાસ ધ્યાન આપતા ન હોવાથી આ સેગમેન્ટ સૌથી વધુ પ્રભાવિત થયું છે.
જોકે, નાની રકમના SIPમાં ઘટાડાનો અર્થ એવો બિલકુલ નથી કે લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. તેની બીજી બાજુ એ પણ છે કે રોકાણકારોની આવક અને નાણાકીય સમજ વધતાં તેઓ પોતાની SIPની રકમ વધારી રહ્યા છે. ઘણા રોકાણકારો નાની SIP બંધ કરીને તેને મોટી રકમની SIPમાં કન્વર્ટ કરી રહ્યા છે.
હકીકતમાં, મોટા મૂલ્યના તમામ સ્લેબમાં SIP ખાતાઓની સંખ્યા સતત વધી રહી છે:
- રૂ. ૧,૦૦૧ થી ૩,૦૦૦: ખાતાઓ ૦.૫% વધીને ૩.૩૫ કરોડ થયા.
- રૂ. ૩,૦૦૧ થી ૫,૦૦૦: ખાતાઓ ૨.૮% વધીને ૧.૪૪ કરોડ થયા.
- રૂ. ૫,૦૦૧ થી ૧૦,૦૦૦: ખાતાઓ ૫% વધીને ૬૨ લાખ થયા.
- રૂ. ૧૦,૦૦૦થી વધુ: માસિક હપ્તાવાળા ખાતા ૫.૯% વધીને ૩૦ લાખે પહોંચ્યા.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ