વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસે જામનગરના વિશ્વવિખ્યાત રણમલ તળાવ પરિસરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે ‘ઉપાસના પ્રતિષ્ઠાન’ના સ્થાપક અને કલા નિષ્ણાત ઉપાસના ઠક્કરે ‘વિકસિત ભારત 2047’ થીમ પર એક આકર્ષક રંગોળી તૈયાર કરી હતી. સંપૂર્ણપણે કુદરતી, વનસ્પતિજન્ય અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી બનેલી આ કલાકૃતિએ ઉપસ્થિત સહુ કોઈનું ધ્યાન ખેંચીને પર્યાવરણ સંરક્ષણ સાથે સર્જનાત્મકતાનો સુંદર સંદેશ આપ્યો હતો.
આ વિશાળ મંચ પર પોતાની કલા પ્રદર્શિત કરવાની તક અને સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ઉપાસના ઠક્કરે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ તકને પોતાના માટે ગર્વ અને અપાર આનંદની ક્ષણ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, “મારી કલા પર ભરોસો મૂકીને જે પ્રેમ અને માર્ગદર્શન મળ્યું છે, તે માટે હું મેયર મોનિકાબેન વ્યાસની ખૂબ આભારી છું. ‘વિકસિત ભારત 2047’ જેવા રાષ્ટ્રીય સંકલ્પને ઈકો-ફ્રેન્ડલી રંગોળી માધ્યમથી સાકાર કરવાનો આ અવસર મારા માટે કાયમ અવિસ્મરણીય રહેશે.”
કાર્યક્રમને સફળ બનાવવા માટે મળે સહયોગ બદલ તેમણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર ટીમ તેમજ વોર્ડ નં. 16ના કોર્પોરેટર ખ્યાતિબેન મુંગરાનો પણ આભાર માન્યો હતો. આ સમગ્ર પ્રસ્તુતિએ પરંપરાગત કલા, પર્યાવરણની જાગૃતિ અને આધુનિક ભારતની ભવ્ય વિચારધારાનો અદભુત સંગમ રજૂ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ