ચીન આગામી 24 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનું નવું મૂન મિશન ‘ચાંગ-ઈ-7’ (Chang'e-7) લોન્ચ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. આ ખાસ મિશન અંતર્ગત ચીન ચંદ્રના દક્ષિણ ધ્રુવ (South Pole) પર ઉતરાણ કરશે, જ્યાં વૈજ્ઞાનિકો પાણીના બરફીલા સ્વરૂપ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોની શોધખોળ કરશે. આ મિશનને હેનાન સ્થિત વેનચાંગ સ્પેસ લોન્ચ સાઈટ પરથી 'લોંગ માર્ચ-5' રોકેટની મદદથી રવાના કરવામાં આવશે. નોંધનીય છે કે, આ મિશન ચીનના તારાકીય સ્પેસ પ્રોગ્રામના ચોથા તબક્કાનો એક અગત્યનો ભાગ છે.
દક્ષિણ ધ્રુવ પર પાણી અને બરફની શોધ થશે
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અત્યંત ઊંડા ખાડા (ક્રેટર્સ) આવેલા છે, જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી. પરિણામે, ત્યાંનું તાપમાન ખૂબ જ નીચું રહે છે અને પાણી લાંબા સમય સુધી બરફ સ્વરૂપે સચવાયેલું રહેવાની શક્યતા સૌથી વધુ છે. ચીનના વૈજ્ઞાનિકો આ જ ઠંડા વિસ્તારોમાંથી પાણીની હાજરી તપાસશે. આ ઉપરાંત, ચંદ્રની માટી, તેની સપાટીની બનાવટ અને વાતાવરણ અંગેના મહત્ત્વના આંકડા પણ એકત્રિત કરવામાં આવશે.
મિશનમાં સામેલ છે ખાસ સ્પેસક્રાફ્ટ
ચાંગ-ઈ-7 મિશન માત્ર એક યાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં એક ઓર્બિટર, લેન્ડર, રોવર અને એક વિશેષ હોપિંગ પ્રોબ (Hopping Probe) સામેલ કરવામાં આવ્યા છે.
- ઓર્બિટર: ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને ઉપરથી હાઈ-રિઝોલ્યુશન તસવીરો અને જરૂરી ડેટા સબમિટ કરશે.
- લેન્ડર: ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કરીને વૈજ્ઞાનિક સાધનોની મદદથી પ્રત્યક્ષ સંશોધન કરશે.
- રોવર: સપાટી પર ફરીને માટી અને ખનિજોનું પરીક્ષણ કરશે.
- હોપિંગ પ્રોબ: આ મિશનનું સૌથી ખાસ અંગ છે. સામાન્ય રોવરની જેમ માત્ર જમીન પર ચાલવાને બદલે આ પ્રોબ ઉછાળીને (જમ્પ મારીને) એવા ઊંડા ખાડાઓમાં પ્રવેશ કરશે જ્યાં સામાન્ય રોવર પહોંચી શકતું નથી અને જ્યાં સૂર્યપ્રકાશ બિલકુલ નથી.
અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ મિશન દ્વારા ચીન ચંદ્ર પર પાણી અને અન્ય સંસાધનોનું ચોક્કસ પ્રમાણ માપવાનો પ્રયાસ કરશે, જે ભવિષ્યના માનવ મિશન માટે ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ