જામનગર શહેરની ઐતિહાસિક ઓળખ અને સમૃદ્ધ વારસાના સાક્ષી સમાન 174 વર્ષ જૂનો ભુજિયો કોઠો નવીનીકરણ બાદ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભુજિયો કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલિડેશન અને રિ-પ્રોડક્શનની કામગીરી રૂ.25 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ 19 માર્ચ 2026થી ભુજિયો કોઠો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

છ મહિનામાં 65 હજાર જેટલા મુલાકાતીઓ

નવીનીકરણ બાદ ભુજિયો કોઠાને શહેરવાસીઓ તેમજ બહારથી આવતા પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા છ મહિનામાં અંદાજે 65 હજાર જેટલા મુલાકાતીઓએ ભુજિયો કોઠાની મુલાકાત લીધી છે. આ મુલાકાતીઓ પાસેથી ટિકિટની આવક પેટે જામનગર મહાનગરપાલિકાને અંદાજે રૂ.16 લાખની આવક થઈ છે.

બુધવારે ભુજિયો કોઠો બંધ

મુલાકાતીઓ માટે ભુજિયો કોઠો દર બુધવારે બંધ રાખવામાં આવે છે. જ્યારે બુધવાર સિવાયના અન્ય દિવસોમાં ટિકિટ વિન્ડો બપોરે 12:00થી સાંજે 6:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ટિકિટ મેળવી લીધા બાદ મુલાકાતીઓ રાત્રે 8:00 વાગ્યા સુધી ભુજિયો કોઠાની મુલાકાત લઈ શકે છે.

જામનગરના ઐતિહાસિક વારસાનું મહત્વનું સ્થળ

ભુજિયો કોઠો જામનગરના ઐતિહાસિક વારસાની મહત્વપૂર્ણ ધરોહર છે. નવીનીકરણ બાદ અહીં મુલાકાતીઓ માટે વધુ સુવિધાજનક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ઐતિહાસિક સ્થળની મુલાકાત સાથે પ્રવાસીઓને જામનગરના ઇતિહાસ અને સમૃદ્ધ વારસાને નજીકથી જાણવાની તક મળી રહી છે.

નવીનીકરણ બાદ ભુજિયો કોઠો માત્ર ઐતિહાસિક સ્થળ તરીકે નહીં, પરંતુ જામનગરના પ્રવાસન વિકાસના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યો છે. શહેરમાં આવતા પ્રવાસીઓ માટે આ સ્થળ જામનગરની ઐતિહાસિક સમૃદ્ધિ અને વારસાનો પરિચય કરાવતું મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બની રહ્યું છે.