જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે કેસ પેપર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા ABHA ID આધારિત રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. દર્દીઓએ રજિસ્ટ્રેશન માટે ABHA નંબર ઉપલબ્ધ હોય તો તે અથવા ABHA ન હોય તો આધાર કાર્ડ અને આધાર સાથે લિંક થયેલો એક્ટિવ મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે. હોસ્પિટલ દ્વારા આ માટે ત્રણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોસ્પિટલની દરેક કેસ બારી પર QR કોડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અગાઉથી ABHA નંબર રજિસ્ટર કરાવેલા દર્દીઓ કેસ બારી પાસેના QR કોડને સ્કેન કરીને ABHA એપ્લિકેશન મારફતે પોતાનું રજિસ્ટ્રેશન જાતે કરી શકે છે. દર્દીના બદલે તેમના સગા પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

ABHA એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કર્યા બાદ મળેલા ટોકન નંબરના આધારે કેસ બારી પરથી કેસ પેપરની પ્રિન્ટ મેળવી શકાશે, જેના કારણે લાંબી કતારમાં રાહ જોવાની જરૂર નહીં પડે. દર્દીઓ અને તેમના સગાઓને રજિસ્ટ્રેશન દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલની તમામ કેસ બારીઓ પર સહાયક સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરાવતા દર્દીઓને આધાર કાર્ડ અને આધાર સાથે લિંક થયેલો એક્ટિવ મોબાઈલ નંબર જરૂરી રહેશે. સહાયક સ્ટાફ આધાર નંબર અથવા ABHA નંબરના આધારે ટોકન જનરેટ કરી આપશે. ABHA નંબર પરથી જનરેટ થયેલો ટોકન નંબર કેસ બારી પર આપ્યા બાદ સ્ટાફ દ્વારા કેસ પેપર કાઢી આપવામાં આવશે.

આ ઉપરાંત દર્દીઓ ઘરે બેઠા પણ QR કોડ સ્કેન કરીને ટોકન જનરેટ કરી શકે છે. ટોકન જનરેટ કર્યા બાદ 60 મિનિટની અંદર ટોકન નંબર બતાવી હોસ્પિટલની ABHA કેસ બારી પરથી કેસ પેપરની પ્રિન્ટ મેળવી શકાશે. આ પ્રક્રિયાથી દર્દીઓને કેસ બારી પર લાંબી કતારમાં ઊભા રહીને રાહ જોવાની જરૂર નહીં પડે.