ગુજરાત હાઇકોર્ટે રાજ્યની તાબાની અદાલતોમાં ન્યાયાધીશોની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ વહીવટી આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય હેઠળ ડિસ્ટ્રિક્ટ જજ, સિવિલ જજ અને સિનિયર સિવિલ જજ કેડરના અનેક ન્યાયાધીશોની આંતર-જિલ્લા તેમજ આંતરિક બદલી કરવામાં આવી છે.
જાહેર કરાયેલા આદેશ મુજબ 63 સિવિલ જજ અને 67 ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરવામાં આવી છે. સાથે જ 79 સિનિયર સિવિલ જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉપરાંત 57 ડિસ્ટ્રિક્ટ જજને પ્રમોશન સાથે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તમામ સંબંધિત ન્યાયાધીશોને 17 ઓગસ્ટ સુધીમાં નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સિવિલ જજની આંતર-જિલ્લા બદલી
ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર રાજ્યની તાબાની અદાલતોમાં 63 સિવિલ જજની આંતર-જિલ્લા બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં આંતર-કોર્ટ બદલી પણ કરવામાં આવી છે. આંતર-કોર્ટ બદલીઓમાં અમદાવાદના 2, ભરૂચના 2, ભાવનગરનો 1, દાહોદનો 1, ગાંધીનગરનો 1, કચ્છના 3, મહેસાણાના 3, મોરબીનો 1, રાજકોટના 6, સાબરકાંઠાનો 1, સુરતના 6 અને વડોદરાના 2 જજનો સમાવેશ થાય છે.
26 સિનિયર સિવિલ જજની આંતર-જિલ્લા બદલી
આદેશમાં 26 સિનિયર સિવિલ જજની આંતર-જિલ્લા બદલી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 79 સિનિયર સિવિલ જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. આંતરિક બદલીઓમાં અમદાવાદમાં 37, સુરતમાં 19, રાજકોટમાં 21, વડોદરામાં 21, જામનગરમાં 8, ખેડામાં 7, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 5 અને સાબરકાંઠામાં 5 જજનો સમાવેશ થાય છે.
67 ડિસ્ટ્રિક્ટ જજની બદલી
ઉચ્ચ ન્યાયિક સેવામાં પણ મોટા પાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુજબ કુલ 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતરિક જિલ્લા બદલી કરવામાં આવી છે. તે ઉપરાંત 57 જજને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. આ ફેરફારથી વિવિધ જિલ્લાઓમાં ઉચ્ચ ન્યાયિક સેવાના અધિકારીઓની નવી જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
86 જજની સેશન્સ ડિવિઝનમાં નિમણૂક
આદેશ મુજબ 86 જજને એડિશનલ સેશન્સ અથવા સેશન્સમાંથી સેશન્સ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. તેમાં સુરતના 17, વડોદરાના 11, અમદાવાદના 9, કચ્છના 8, રાજકોટના 8, બનાસકાંઠાના 6, ભરૂચના 5, મહેસાણાના 5, સુરેન્દ્રનગરના 4, આણંદના 4 અને ગાંધીનગરના 4 જજનો સમાવેશ થાય છે.
17 ઓગસ્ટ સુધીમાં નવી જગ્યાએ ચાર્જ સંભાળવાનો આદેશ
ગુજરાત હાઇકોર્ટના આ વહીવટી આદેશ હેઠળ બદલી અને પ્રમોશન પામેલા તમામ ન્યાયાધીશોએ 17 ઓગસ્ટ સુધીમાં નવી જગ્યાએ ફરજનો ચાર્જ સંભાળવાનો રહેશે. ન્યાયિક અધિકારીઓની આ વ્યાપક બદલી અને બઢતી બાદ રાજ્યની વિવિધ તાબાની અદાલતોમાં ન્યાયિક કામગીરીનું પુનર્ગઠન થશે. સાથે જ વિવિધ અદાલતોમાં કેસોના નિકાલ અને ન્યાયિક કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ