ઘણા લોકોને વોટ્સએપમાં લાંબો મેસેજ ટાઇપ કરવાનો કંટાળો આવતો હોય છે અથવા તો ટાઇપિંગમાં પૂરતી ફાવટ હોતી નથી. આવા યુઝર્સ ચેટ બોક્સમાં જઈ સીધા માઇક આઇકન પર ક્લિક કરીને વોઇસ મેસેજ મોકલવાનો આસાન રસ્તો અપનાવતા હોય છે. પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ બની રહી છે. વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ ફોનની હોમ સ્ક્રીન પર જ વોઇસ મેસેજ માટેનું 'વિજેટ' (Widget) ઉમેરી શકશે.
તમારા સ્માર્ટફોનમાં આ નવું ફીચર ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે ફોનની હોમ સ્ક્રીન પર ખાલી જગ્યામાં લોંગ પ્રેસ (થોડીવાર દબાવી રાખવું) કરો. ત્યારબાદ નીચે દેખાતા ઓપ્શન્સમાંથી 'Widgets' પર ક્લિક કરી વોટ્સએપ સેક્શનમાં જાઓ. જો ત્યાં 'વોઇસ રેકોર્ડિંગ વિજેટ'નો વિકલ્પ જોવા મળે તો તમે તેને હોમ સ્ક્રીન પર સેટ કરી શકો છો. જો આ વિકલ્પ ન દેખાય તો તમારે થોડી રાહ જોવી પડશે.
આ વિજેટ હોમ સ્ક્રીન પર સેટ કર્યા પછી યુઝર્સે કોઈને પણ વોઇસ મેસેજ મોકલવા માટે વોટ્સએપ એપ ઓપન કરવાની જરૂર નહીં રહે. હોમ સ્ક્રીન પરથી જ સીધા વિજેટ પર ક્લિક કરતા રેકોર્ડિંગ સ્ક્રીન ખૂલી જશે, જેમાં રેકોર્ડિંગ પોઝ, રીઝ્યુમ, કેન્સલ કે કન્ફર્મ કરવાના બટન મળશે. મેસેજ રેકોર્ડ થઈ ગયા બાદ તમે એકસાથે એકથી વધુ કોન્ટેક્ટ્સ કે ગ્રૂપ સિલેક્ટ કરીને મોકલી શકશો. આ વિજેટ હોમ સ્ક્રીન પર સામાન્ય ત્રણ એપ આઇકન જેટલી જગ્યા રોકે છે. હાલ આ ફીચર તબક્કાવાર રોલઆઉટ થઈ રહ્યું હોવાથી ટૂંક સમયમાં જ તમામ યુઝર્સને તેનો લાભ મળશે અને વોટ્સએપ પોતે પણ આ અંગે નોટિફિકેશન આપી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ