નવી દિલ્હી ખાતે ભારત અને ફ્રાન્સ વચ્ચે અવકાશ ક્ષેત્રમાં સહયોગને વધુ વિસ્તૃત કરવા મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ફ્રાન્સના ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને અવકાશ મંત્રી ફિલિપ બાપ્ટિસ્ટના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન માનવ અવકાશયાન, અદ્યતન સ્પેસ ટેક્નોલોજી અને ખાનગી ક્ષેત્ર તથા સ્ટાર્ટઅપ્સ વચ્ચે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી.
ભારત-ફ્રાન્સનો અવકાશ સહયોગ લગભગ છ દાયકાથી ચાલી રહ્યો છે. બંને દેશોએ અગાઉ Megha-Tropiques અને SARAL જેવા સંયુક્ત ઉપગ્રહ મિશનમાં સાથે કામ કર્યું છે. હાલમાં બંને દેશો વચ્ચે TRISHNA સંયુક્ત ઉપગ્રહ મિશન પર પણ કામ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત ફ્રાન્સની CNES દ્વારા ભારતના Gaganyaan માનવ અવકાશયાન કાર્યક્રમને પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.
બેઠકમાં માનવ અવકાશયાન સાથે જોડાયેલા માઇક્રોગ્રેવિટી રિસર્ચ અને પેરાબોલિક ફ્લાઇટ્સ અંગે પણ ચર્ચા થઈ. ફ્રાન્સે માનવ અવકાશયાન, અવકાશમાં માનવ આરોગ્ય અને માઇક્રોગ્રેવિટી સંશોધન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવામાં રસ દર્શાવ્યો છે.
ભારતમાં વિકસતા ખાનગી સ્પેસ ક્ષેત્રને પણ આ ભાગીદારીમાં મહત્વ આપવામાં આવ્યું છે. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ભારતમાં 400થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ રોકેટ, સેટેલાઇટ અને સ્પેસ એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. ભારત અને ફ્રાન્સની સરકારી સંસ્થાઓ, ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ વચ્ચે વધુ જોડાણથી અવકાશ ક્ષેત્રમાં નવા સહયોગની તકો ઊભી થઈ શકે છે.
ફ્રાન્સના મંત્રી ફિલિપ બાપ્ટિસ્ટે પણ ભારત સાથે વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્પેસ ક્ષેત્રમાં સહયોગને આગળ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંને દેશો વચ્ચેની ચર્ચા 2026ના India-France Year of Innovation દરમિયાન થઈ રહી છે, જેના કારણે સ્પેસ સહિત વિવિધ વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીકલ ક્ષેત્રોમાં સહયોગ માટે વધુ તકો ઊભી થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ