દેશની ત્રણેય સેનાઓની યુદ્ધ ક્ષમતા વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં અંદાજે ₹52,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ ખરીદીમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે અનેક અદ્યતન અને સ્વદેશી ડિફેન્સ સિસ્ટમ્સ તથા હથિયારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સેના માટે મળશે અત્યાધુનિક હથિયારો
મંજૂર થયેલા પ્રસ્તાવોમાં ભારતીય સેના માટે આકાશતીર (Akashteer) એન્ટી-ડ્રોન ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MPATGM), મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (MRSAM), વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (V-SHORADS), ટેન્ક માટે એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ તેમજ જેટ આધારિત કામિકાઝે (Loitering) ડ્રોન સિસ્ટમનો સમાવેશ થાય છે.
રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આકાશતીર સિસ્ટમ સેનાને દુશ્મનના ડ્રોન હુમલાઓ સામે વધુ અસરકારક સુરક્ષા પૂરી પાડશે. MPATGM દુશ્મનના ટેન્ક અને બખ્તરબંધ વાહનોને નિશાન બનાવવા પાયદળની ક્ષમતામાં વધારો કરશે. જ્યારે MRSAM મધ્યમ અંતરના હવાઈ જોખમો સામે રક્ષણ આપશે અને V-SHORADS ટૂંકા અંતરની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
MPATGMની ખાસિયતો
MPATGMનું વજન અંદાજે 14.5 કિલોગ્રામ છે અને તેની લંબાઈ આશરે 4.3 ફૂટ છે. આ મિસાઇલ સિસ્ટમને સંચાલિત કરવા માટે બે જવાનોની જરૂર પડે છે. તેની અસરકારક રેન્જ 200 મીટરથી 2.5 કિલોમીટર સુધી છે અને તેમાં આધુનિક ટેન્ડમ HEAT વોરહેડનો ઉપયોગ કરી શકાય છે.
સ્વદેશી કામિકાઝે ડ્રોન પર ભાર
ભારત હાલમાં સ્વદેશી કામિકાઝે (Loitering Munition) ડ્રોનના વિકાસ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. આ પ્રકારના ડ્રોન નિશાન સુધી પહોંચ્યા બાદ પોતે જ વિસ્ફોટ કરીને દુશ્મનના લક્ષ્યને નષ્ટ કરી શકે છે. આવા ડ્રોનનો ઉપયોગ રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ ગાઝા સંઘર્ષમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે.
નૌકાદળને મળશે નવી શક્તિ
ભારતીય નૌકાદળ માટે મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM), નેવલ શિપબોર્ન અનમેન્ડ એરિયલ સિસ્ટમ (NSUAS) અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે.
MIGM સમુદ્રની અંદર દુશ્મનના જહાજોને નિશાન બનાવવામાં સક્ષમ છે. જ્યારે NSUAS અદ્યતન સેન્સરની મદદથી નૌકાદળની દેખરેખ અને સર્વેલન્સ ક્ષમતામાં વધારો કરશે.
નોંધનીય છે કે DRDO અને ભારતીય નૌકાદળે મે 2025માં સ્વદેશી MIGMનું સફળ પરીક્ષણ કર્યું હતું, જે ભારતના દરિયાઈ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
વાયુસેના માટે મળશે FW-HAPS
ભારતીય વાયુસેના માટે ફિક્સ્ડ-વિંગ હાઈ એલ્ટિટ્યુડ પ્સ્યુડો સેટેલાઇટ (FW-HAPS) સિસ્ટમની ખરીદીના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ અત્યાધુનિક માનવરહિત હવાઈ પ્લેટફોર્મ લગભગ 20 કિલોમીટરની ઊંચાઈએ સૌર ઊર્જાથી લાંબા સમય સુધી સતત ઉડાન ભરી શકે છે. તેનો ઉપયોગ ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, રિકોનિસન્સ (ISR), દૂરસંચાર અને રિમોટ સેન્સિંગ જેવા મહત્વપૂર્ણ મિશનમાં કરવામાં આવશે.
સ્વદેશી સંરક્ષણને મળશે વધુ પ્રોત્સાહન
રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, આ તમામ ખરીદ પ્રસ્તાવોનો મુખ્ય હેતુ ભારતીય સેનાઓને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બનાવવાનો, આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂત કરવાનો અને દેશની સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાનો છે. આ નિર્ણયથી ભારતીય સેનાઓને ભવિષ્યના પડકારોનો સામનો કરવા વધુ સક્ષમ બનાવવામાં મદદ મળશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ