જામનગરમાં પક્ષીઓની વિવિધતા અને ઋતુ પ્રમાણે તેમની હાજરીનો વૈજ્ઞાનિક ડેટાબેઝ તૈયાર કરવા માટે પ્રથમવાર ‘જામનગર બર્ડ એટલાસ’ કાર્યક્રમ યોજાયો. બર્ડ કનઝર્વેશન સોસાયટી ગુજરાત (BCSG) અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરાયેલા આ સર્વેમાં શહેરના પક્ષીજીવન અંગે વ્યવસ્થિત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વનમંત્રી અર્જુનભાઈએ વઢવાણથી આ કાર્યક્રમની જાહેરાત કરી હતી.

સર્વેના પ્રથમ તબક્કામાં 62 પક્ષીપ્રેમીઓ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો, પક્ષીવિદો અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. સર્વે માટે જામનગર શહેરને 25 ગ્રીડમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ગ્રીડમાં બે સબસેલ અને ચાર ચેકલિસ્ટની પદ્ધતિથી પક્ષીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રથમ તબક્કામાં કુલ 200 ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

‘જામનગર બર્ડ એટલાસ’ સર્વે કુલ ત્રણ તબક્કામાં—ચોમાસું, શિયાળો અને ઉનાળો હાથ ધરાશે. સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાના તબક્કાનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. અલગ-અલગ ઋતુમાં એકત્રિત થનારા ડેટા પરથી જામનગરમાં પક્ષીઓની સંખ્યા, વિવિધતા અને ઋતુ અનુસાર તેમની હાજરી અંગે વધુ વ્યવસ્થિત માહિતી ઉપલબ્ધ થશે.

આ સર્વેમાંથી મળનારા ડેટાનો ઉપયોગ જામનગર મહાનગરપાલિકા, વન વિભાગ અને અર્બન ટાઉન પ્લાનિંગ માટે કરવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમનો એક મહત્વનો હેતુ લોકોમાં પક્ષીઓ, પ્રકૃતિ અને તેમના સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો પણ છે.