જામનગર જિલ્લો પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક આવેલો મહત્વપૂર્ણ અને સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન જામનગર તથા સમાણા, INS વાલસુરા સહિત અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓ અને મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં ડ્રોન ઉડાડવા અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલા કુલ 154 ક્રિટિકલ અને સ્ટ્રેટેજિક મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશનને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાં 112 ઇન્સ્ટોલેશન રેડ ઝોનમાં જ્યારે 42 ઇન્સ્ટોલેશન યલો ઝોનમાં આવે છે.
રેડ અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જામનગર જિલ્લાના જાહેર કરાયેલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.
આ નિર્ણય સંવેદનશીલ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ આ પ્રતિબંધ 25 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી
જાહેર કરાયેલા રેડ અને યલો ઝોન વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડવામાં આવે તો તે જાહેરનામાનો ભંગ ગણાશે. આવા કિસ્સામાં જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર જિલ્લામાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ અને ઔદ્યોગિક માળખું આવેલું હોવાથી ડ્રોન ઉડાડતા પહેલા સંબંધિત નિયમો અને પ્રતિબંધિત વિસ્તાર અંગેની માહિતી તપાસવી જરૂરી રહેશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ