જામનગરની પ્રતિષ્ઠિત શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજે તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (IIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રાષ્ટ્રીય રેન્કિંગમાં કોલેજે 1000માંથી 890.80 ગુણ મેળવ્યા છે. આ પ્રદર્શન સાથે કોલેજને દેશભરની મેડિકલ કોલેજોમાં 47મું સ્થાન મળ્યું છે.

આ રેન્કિંગ સાથે એમ.પી. શાહ મેડિકલ કોલેજે પ્રથમ વખત દેશની ટોપ-50 મેડિકલ કોલેજોમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતની સરકારી મેડિકલ કોલેજોની વાત કરીએ તો જામનગરની આ સંસ્થાએ બીજું સ્થાન મેળવીને રાજ્ય અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

સાત દાયકાથી તબીબી શિક્ષણમાં મહત્વનું યોગદાન

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની સ્થાપના ઓગસ્ટ 1954માં કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની જૂની અને પ્રતિષ્ઠિત સરકારી મેડિકલ કોલેજોમાં તેનો સમાવેશ થાય છે. સ્થાપનાથી જ સંસ્થાએ તબીબી શિક્ષણની સાથે આરોગ્ય સેવા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.

Noble
જાહેરાત

કોલેજમાંથી દર વર્ષે શિક્ષણ પૂર્ણ કરીને બહાર પડતા તબીબો દેશ અને વિદેશમાં તબીબી સેવાઓ આપી રહ્યા છે. વધતી શૈક્ષણિક અને તબીબી સુવિધાઓ સાથે કોલેજમાં વિદ્યાર્થીઓ માટેની બેઠકોમાં પણ વધારો થયો છે.

હાલમાં MBBSમાં વાર્ષિક 250 બેઠકો મંજૂર છે. પોસ્ટ ગ્રેજ્યુએશનના MD અને MS અભ્યાસક્રમોમાં 207 બેઠકો, જ્યારે વિવિધ સુપર-સ્પેશિયાલિટી અભ્યાસક્રમોમાં 6 બેઠકો ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે.

કયા માપદંડોના આધારે રેન્કિંગ મળ્યું?

IIRFના મૂલ્યાંકનમાં મેડિકલ કોલેજના વિવિધ શૈક્ષણિક અને સંસ્થાકીય પાસાંને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે, ફેકલ્ટીની ગુણવત્તા: અનુભવી અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો. શિક્ષણ અને પ્રશિક્ષણ પદ્ધતિ: વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રેક્ટિકલ તાલીમ તથા શૈક્ષણિક પદ્ધતિ. રિસર્ચ અને પબ્લિકેશન: ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓના સંશોધન કાર્ય અને વિવિધ જર્નલ્સમાં પ્રકાશિત થયેલા સંશોધન પત્રો. પ્લેસમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: શૈક્ષણિક માળખું, તબીબી સાધનો અને અન્ય સંસ્થાકીય સુવિધાઓ.

315 ફેકલ્ટી અને 1000થી વધુ સપોર્ટિંગ સ્ટાફ

એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં દર વર્ષે UG અને PG મળીને 450થી વધુ તબીબી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમના શિક્ષણ અને તાલીમ માટે આશરે 315 તબીબી ફેકલ્ટી કાર્યરત છે. આ ફેકલ્ટી મેડિકલ શિક્ષણ ઉપરાંત ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને નર્સિંગ ક્ષેત્રમાં પણ પોતાની સેવાઓ આપે છે. કોલેજમાં મલ્ટી-ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ પણ કાર્યરત છે. આ સંશોધન એકમને અગાઉ સમગ્ર ભારતમાં સાતમો ક્રમ મળ્યો હોવાનું જણાવાયું છે.