જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ અને જાહેર સુવિધાઓને લગતા કામો માટે કુલ ₹18.88 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં રોડ, પેવર બ્લોક, ગટર પાઇપલાઇન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના વિવિધ કામોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ધીરેનકુમાર મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ સહિત કમિટીના સભ્યો તથા મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

વોર્ડ 11 અને 12માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

જામનગરના વોર્ડ નં. 11 અને 12માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નં. 11માં હાપા ટીપી સ્કીમ નં. 2ના પ્લોટ નં. 71 પર ₹107.84 લાખ, જ્યારે વોર્ડ નં. 12ના ઘાંચીવાડ વિસ્તારમાં ₹161.49 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. બંને કામોનો કુલ ખર્ચ આશરે ₹2.69 કરોડ થાય છે.

રોડ અને પેવર બ્લોકના કામો

બેઠકમાં શહેરના વિવિધ વોર્ડમાં રોડ અને અન્ય સુવિધાઓના કામો માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. વોર્ડ નં. 5માં લોકભાગીદારીથી સીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે ₹2 કરોડ, જ્યારે વોર્ડ નં. 11 અને 12માં સંબંધિત વિકાસકામો માટે ₹2.50 કરોડ-₹2.50 કરોડની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

વોર્ડ નં. 11માં ટીપી સ્કીમ નં. 6માં તીર્થ રેસિડેન્સીથી રાજમોતી તરફ સીસી રોડ બનાવવા માટે આશરે ₹1.11 કરોડનો ખર્ચ પણ મંજૂર કરાયો છે.

70 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ₹5.64 કરોડ

મહાનગરપાલિકાના ભૂગર્ભ શાખા હેઠળના 70 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ચાલુ કામની ઓપરેશન અને મેઇનટેનન્સની સમયમર્યાદા વધુ બે વર્ષ વધારવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. આ માટે ₹564.71 લાખ એટલે કે આશરે ₹5.64 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.

આ ઉપરાંત શહેરના વોર્ડ નં. 1થી 8 તથા વોર્ડ નં. 9થી 16માં ભૂગર્ભ ગટર પાઇપલાઇનના કામ માટે અલગ-અલગ ₹108.93 લાખના ખર્ચની દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય કામોને પણ મંજૂરી

બેઠકમાં ચોમાસાની સીઝન દરમિયાન મશીનરી સપ્લાય, સંગમબાગના ઓપરેશન-મેઇનટેનન્સ, શહેર વિસ્તાર તથા હેડ વર્ક્સના વિવિધ કામો સહિતની અન્ય દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી હતી.

સમર્પણ સર્કલથી બેડી બંદર સુધીના 45 મીટર પહોળા ટીપી રોડના સૈદ્ધાંતિક સ્વીકાર અંગે પણ નિર્ણય લેવાયો હતો. ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કના ફૂડ ઝોનમાં આવેલી શોપ નં. 3 અને 4ને પાંચ વર્ષના ઓપરેટિંગ લીઝ પર ભાડે આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

શિક્ષણ સમિતિની શાળા નં. 42ના આધુનિક શાળા તરીકેના નવ નિર્માણની દરખાસ્ત તથા અન્ય કેટલાક મુદ્દાઓને ભલામણ સાથે જનરલ બોર્ડ સમક્ષ મૂકવાની કાર્યવાહી માટે મંજૂરી આપવામાં આવી હતી.

આમ, જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિકાસ અને જાહેર સુવિધા સંબંધિત કામો માટે કુલ ₹18.88 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.