જામનગર: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની 7 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલી બેઠકમાં કુલ ₹11.93 કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠક ધીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સાથે જ 15 ઓગસ્ટ નિમિત્તે ટાઉનહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં CC રોડ અને પેવર બ્લોકના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સિવિલ નોર્થ, વેસ્ટ અને સાઉથ ઝોનમાં લોકભાગીદારી હેઠળ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કુલ રૂ.800 લાખના કામોને મંજૂરી મળી હતી.

આ ઉપરાંત વિવિધ ઝોનમાં સિવિલ વર્ક્સ માટે ₹160.67 લાખ, કેબલ-ગેસ પાઇપલાઇન તથા વોટર વર્ક્સ બાદ આસ્ફાલ્ટ સ્ટ્રેન્થનિંગ માટે ₹130 લાખ અને વોર્ડ નં.15માં સ્ટ્રોમ વોટર કેનાલ તથા CC રોડના કામ માટે ₹39.72 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.

Noble
જાહેરાત

ચોમાસા દરમિયાન વિવિધ સ્થળોએ ડીવોટરિંગ માટે ₹5 લાખ તથા ઉડ-1 ખાતે સબમર્સિબલ પંપ સેટ અને સંબંધિત સાધનો માટે ₹39.74 લાખની પણ મંજૂરી આપવામાં આવી હતી.

મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 દરમિયાન વિશિષ્ટ કામગીરી કરનારા 40 કર્મચારીઓને ₹4 લાખની પ્રોત્સાહન રકમ આપવાની દરખાસ્તને પણ મંજૂરી મળી હતી. ઉપરાંત કોમ્પ્યુટર શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં કોન્ટ્રાક્ટ આધારે નવી નિમણૂક સંબંધિત દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં મેયર મોનીકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, કમિશનર દિપેશ કેડીયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.