જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયાએ શહેરના નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સાથે બાકી મિલકત વેરો વહેલી તકે ભરપાઈ કરવા અને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. કમિશનરે જણાવ્યું હતું કે હાલમાં જામનગરમાં પાણીની સ્થિતિ સંતોષકારક છે. નર્મદા ડેમમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી આગામી ચોમાસા સુધી શહેરની જરૂરીયાત મુજબ પાણી પુરું પાડવામાં આવશે.

શહેરને દરરોજ 10થી 12 MCFT પાણીનો જથ્થો મળી રહ્યો છે

છેલ્લા એકથી બે અઠવાડિયાથી જામનગર શહેરને દરરોજ આશરે 10થી 12 MCFT જેટલો પાણીનો જથ્થો મળી રહ્યો છે. શહેરના ચારેય પાણીના સ્રોતમાંથી જરૂરિયાત અનુસાર પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

હાલ જામનગરમાં દૈનિક આશરે 150 MLD એટલે કે 5થી 6 MCFT જેટલા પાણીનો વપરાશ થાય છે. જ્યારે શહેરના મુખ્ય ત્રણ સ્રોતોમાં આશરે 10-10 MCFT જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઓછા વરસાદને ધ્યાનમાં રાખી પાણીનો બગાડ ટાળવા અનુરોધ

સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે અને નર્મદા ડેમમાં પણ પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી હાલ જામનગરના પાણી પુરવઠાને લઈને ચિંતા કરવાની સ્થિતિ નથી.

રાજ્ય સરકાર દ્વારા આગામી ચોમાસા સુધી શહેરો અને વિસ્તારોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જળ આયોજનનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનર દિપેશ કેડિયાએ નાગરિકોને પાણીનો બગાડ ન કરવા અને ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન

જામનગર શહેરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ અભિયાન દરમિયાન મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મનપાએ નાગરિકોને તેમના ઘર તેમજ વેપારી એકમોમાંથી નીકળતો કચરો રસ્તા કે અન્ય સ્થળે ન નાખીને માત્ર કચરા કલેક્શન વાહનમાં જ આપવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ નહિવત કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

બાકી મિલકત વેરો વહેલી તકે ભરવા મનપાની અપીલ

ચાલુ નાણાકીય વર્ષનું પ્રથમ અર્ધવાર્ષિક સત્ર પૂર્ણ થવા આવ્યું છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ કરદાતાઓને બાકી રહેલો મિલકત વેરો વહેલી તકે ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે.

મનપાના જણાવ્યા મુજબ સમયસર મિલકત વેરાની ચુકવણી કરવામાં આવે તો શહેરના વિવિધ વિકાસલક્ષી તેમજ જનહિતના કાર્યોમાં નાગરિકોની પણ સહભાગીતા બની શકે છે. તેથી કરદાતાઓને બાકી વેરાની ચુકવણી વહેલી તકે કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

25 અને 26 સપ્ટેમ્બરે વોર્ડ દીઠ ‘સેવા સેતુ’ કાર્યક્રમ

શહેરીજનોના પ્રશ્નો અને રજૂઆતોનો શક્ય તેટલો સ્થળ પર જ નિકાલ થાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી 25 અને 26 સપ્ટેમ્બરે વોર્ડ દીઠ ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

મનપા દ્વારા નાગરિકોને આ કાર્યક્રમનો લાભ લેવા અને પોતાના પ્રશ્નો તથા રજૂઆતો રજૂ કરીને તેનો નિકાલ કરાવવા અપીલ કરવામાં આવી છે.

મહિલાઓ અને દીકરીઓ માટે સ્વદેશી મેળાનું આયોજન

જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી મહિનામાં શહેરની મહિલાઓ અને દીકરીઓ માટે સ્વદેશી મેળાનું પણ આયોજન કરવામાં આવશે. આ મેળામાં મહિલાઓ અને દીકરીઓને જોડાવા માટે મનપા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને આ સ્વદેશી મેળામાં બહોળી સંખ્યામાં ભાગ લેવા અને તેનો લાભ લેવા પણ અપીલ કરી છે.